પાલનપુરઃ તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે જાહેર કરવામાં આવેલી સહાયમાં બાદબાકીને લઈ ડીસામાં ભારતીય કિસાન સંઘે સરકાર સામે વિરોધ કરી માગ કરી હતી કે, 10 દિવસમાં સહાયની જાહેરાત કરવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે આંદોલન કરવામાં આવશે.
આ વર્ષે સમગ્ર ગુજરાતમાં ચોમાસુ સારું રહ્યું છે અને કેટલીક જગ્યા પર અતિવૃષ્ટિના લીધે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે, ત્યારે તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં વરસાદથી થયેલા નુકસાનને પગલે સહાયની જાહેરાત કરવામાં આવી હતી. સરકારની આ જાહેરતમાં ગુજરાતનાં લગભગ 125 જેટલા તાલુકાઓનો સમાવેશ કરાયો હતો. પરંતુ સરકારે બનાસકાંઠા જિલ્લાના એક પણ તાલુકાનો સમાવેશ કર્યો ન હતો.
જ્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાના પણ ઘણા તાલુકામાં નુકસાન થયું છે, ત્યારે બનાસકાંઠા જિલ્લાની કરવામાં આવેલી બાદબાકીને લઈ બનાસકાંઠા ભારતીય કિસાન સંઘે સરકારને 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. સરકાર દ્વારા ખેડૂતોને સમાન વિજદર અને ફિક્સ ચાર્જ દૂર કરવામાં આવે, એરંડાના ટેકાના ભાવો જાહેર કરવામાં આવે, તળાવો ભરવા માટે ત્રણ કિલોમીટરનું કાર્યક્ષેત્ર જાળવવામાં આવે, બાકી રહેલા જિલ્લાઓમાં વરસાદથી થયેલા નુકસાનના વળતરમાં આવા જિલ્લાઓનો સમાવેશ કરવા ઉપરાંત સરકાર દ્વારા ખાનગી કૃષિ યુનિવર્સિટીને મંજૂરી ન આપવા અનુરોધ કર્યો છે. સરકાર દ્વારા આગામી 10 દિવસમાં આ મુદ્દે ગંભીરતા નહીં દર્શાવે તો ભારતીય કિસાન સંઘ ગાંધીનગર પહોંચીને આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.