- લાખણી તાલુકાની મહિલાઓની 'Woman Empowerment' ની અનોખી પહેલ
- મહિલાઓને ઘરઆંગણે જ રોજગારી માટે ગ્રામપંચાયત આપે છે હીરા ઘસવાની તાલીમ
- માત્ર એક માસની તાલીમ બાદ મહિને 5,000-15,000 કમાઈ શકશે
- મહિલાઓએ શરૂ કર્યો રત્નકલાનો વ્યવસાય
બનાસકાંઠાઃ લાખણી તાલુકાના લવાણા ગામની મહિલાઓએ રસોઇ, ખેતી અને પશુપાલનના વ્યવસાય બાદ હવે રત્નકલા ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. આ વિસ્તારની સામાજિક રૂઢિચુસ્તતાના લીધે મહિલાઓ હીરા ઘસવાના કામથી ઘણી જ દૂર હતી. પરંતુ વડાપ્રધાન મોદીના આત્મનિર્ભર ( Atamnirbhar Bharat ) ભારત અભિયાન અને મહિલા સશક્તિકરણને ( Woman Empowerment ) વેગ આપવા લવાણા ગામના મહિલા સરપંચ દેમાબેન રાજપૂત અને તેમના પુત્ર રામાભાઇ રાજપૂત દ્વારા ગામની મહિલાઓને ઘરઆંગણે રોજગારી આપવા અનોખી પહેલ કરવામાં આવી છે. જેનાથી છૂટક મજૂરી કરતી ગામની માતાઓ, બહેનો અને દીકરીઓ પણ ગામમાં જ રોજગારી મેળવી પોતાના કુંટુંબને આર્થિક રીતે સશક્ત બનાવવા મદદરૂપ બની રહી છે. આ સ્વરોજગારીનું કાર્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના આત્મનિર્ભર ભારત અભિયાનને આભારી છે તેમ ગામના અગ્રણી રામાભાઇ રાજપૂતે જણાવ્યું હતું.
લવાણા ગ્રામપંચાયતના સાથ અને સહકારથી હીરાઉદ્યોગ શરૂ
લાખણી તાલુકાના લવાણા ગામની મહિલાઓએ રસોઈ, ખેતી અને પશુપાલનના વ્યવસાય બાદ હવે રત્નકલા ક્ષેત્રમાં હાથ અજમાવ્યો છે. જે આ વિસ્તારની મહિલાઓ ( Woman Empowerment ) માટે પ્રેરણાદાયી છે. લવાણા ગ્રામ પંચાયતના સાથ અને સહકારથી ગામની માતાઓ, બહેનો અને દીકરીઓને હીરા ઘસવાની તાલીમ આપવા રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે અને હાલ પણ ચાલુ છે. હાલમાં 50 જેટલી બહેનોએ હીરાની તાલીમ માટે નામ નોંધાવ્યાં છે. રત્નકલાના કામને લઇ માતાઓ-બહેનો ખૂબ જ ઉત્સાહિત છે,જેથી બાજુના કુવાણા ગામના વતની અને હીરા ઉદ્યોગના વેપારી રમેશભાઈ માળીને રામાભાઈએ વાત કરતાં તેઓ પણ સહયોગ આપવા તૈયાર થઈ ગયાં. તેમણે કહ્યું કે, મહિલાઓને પગભર કરવાના કાર્યમાં રમેશભાઈએ મહિલાઓને હીરા ઘસવાની નિઃશુલ્ક તાલીમ આપવા માટે એક ટ્રેનર પણ આપ્યાં છે, તેમજ તાલીમ પૂર્ણ થયા પછી તેમને કામ મળી રહે અને તૈયાર થયેલા તમામ હીરા પણ તેઓ ખરીદશે.
હીરાના વ્યવસાયમાં બહેનો માસિક રૂ.5,000થી 15,000 કમાશે
રામાભાઈ કહે છે કે અત્યારે અમારી પાસે હીરા ઘસવાની બે ઘંટીઓ છે અને 8 બહેનોને તાલીમ આપી રહ્યાં છીએ. પરંતુ ટૂંક જ સમયમાં અમે બીજી વધારે ઘંટીઓ ખરીદી તમામ બહેનોને હીરા ઘસવાની તાલીમ આપી સજ્જ કરી ( Woman Empowerment ) રોજગારી અપાવીશું. તેમણે કહ્યું કે, એક બહેનને રત્ન કલાકાર તરીકે તૈયાર કરવા હીરાની તાલીમ માટે અંદાજે 5થી 7 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. પરંતુ બહેનોએ કોઇપણ પ્રકારનો તાલીમ ખર્ચ આપવાનો નથી. તાલીમ તદ્દન ફ્રી રાખેલી છે. તેમણે ઉમેર્યુ કે, ( Atamnirbhar Bharat ) સરકારના આત્મનિર્ભર અભિયાન અન્વયે અમે અમારી ગામની માતાઓ બહેનોને આત્મનિર્ભર બનાવીશું. આ તાલીમ પૂર્ણ થયાં પછી આ જ સ્થળે પાર્ટ ટાઈમ કે ફૂલ ટાઈમ હીરાના વ્યવસાયમાં કામ કરી બહેનો માસિક રૂ. .5,000થી 15,000 કમાઈ શકશે.
આ પણ વાંચોઃ આરોગ્ય વિભાગની બેદરકારીઃ બનાસકાંઠાના લાખણીમાં મૃતકોને અપાઇ રસી
અનેક મહિલાઓને રોજગારી મળશે
ગામની મહિલા રત્ન કલાકાર તાલીમાર્થી કિરણબેન બારોટે જણાવ્યું હતું કે, અમારી લવાણા ગ્રામ પંચાયત તેમજ રામાભાઈ રાજપૂત દ્વારા મહિલાઓને હીરા ઘસવાની તાલીમ અને ત્યાર પછી અહીં જ રોજગારીની ઉત્તમ તક મળી રહે તે માટે મહિલાઓના હિતમાં તેઓ ઉમદા કાર્ય કરી રહ્યાં છે. જેનાથી આ ગામની મહિલાઓ ગામમાં જ રત્ન કલાક્ષેત્રે કામ કરી સારી આવક મેળવી શકશે. તેમણે કહ્યું કે, રત્નકલાની આ કમાણી અમારા ઘર ખર્ચ માટે તેમજ બાળકોના શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી થશે. તેમણે કહ્યું કે, ગ્રામ્ય વિસ્તારમાં રત્ન કલાક્ષેત્રે મહિલાઓ ભાગ્ય જ કાર્યરત હશે. પણ હવે અમારા ગામની મહિલાઓમાંથી પ્રેરણા લઈ બીજા ગામો પણ મહિલાઓ માટે આવા કાર્ય કરે તો મહિલા સશક્તિકરણ ( Woman Empowerment ) ક્ષેત્રે ખૂબ સારી સેવા કરી ગણાશે.
આ પણ વાંચોઃ લાખણી તાલુકાના જસરા ગામે યોજાયો અશ્વ મેળો