કચ્છ: હાલ શિયાળાની સીઝન ચાલી રહી છે ત્યારે શિયાળામાં શરીરને ગરમ રાખવા માટે વિવિધ સ્વાદિષ્ટ અને હેલ્ધી ફૂડ લોકો ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે હેલ્ધી ફૂડ તરીકે મીઠાઈમાં ગુંદર પાક બેસ્ટ છે. શિયાળામાં બનાવવામાં આવતો ગુંદર પાક સ્વાસ્થ્ય માટે સારો હોય છે. તો જાણો કઈ રીતે આ ગુંદરપાક બને છે?
કચ્છી અડદિયાની સાથે સાથે શિયાળા દરમિયાન ગુંદર પાક ખાવાનું પણ લોકો વધારે પસંદ કરતા હોય છે. ઠંડીમાં ગુંદર ખાવાના અનેક ફાયદાઓ છે. તો ડાયાબિટીસ અને મેદસ્વિતા સહિતની બીમારીઓમાં પણ ગુંદર ખાવાથી છુટકારો મળે છે. ગુંદર કે જે બાવળના ઝાડની ડાળીઓમાંથી નીકળે છે જે સુકાઈને ભૂરો અને કડક થઈ જાય છે. આ ગુંદરનો ઉપયોગ આયુર્વેદિક દવાઓ બનાવવાની સાથે સાથે મીઠાઈઓ બનાવવા માટે પણ કરવામાં આવે છે. આ ગુંદર ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.
ગુંદર પાક ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત
શિયાળાની સિઝનમાં ખાણીપીણી પર વધારે ધ્યાન રાખવું પડતું હોય છે. તેમાં એ ઠંડીમાં ગરમ વસ્તુઓ ખાવી જોઈએ જેમાં લસણ, આદુ, મરી ઉપરાંત સૂંઠના લાડુ અથવા ગુંદરનો લાડુનું સેવન કરીએ તો શરીરને ગરમાહટ મળે છે. તો આ ગુંદરમાંથી ગુંદર પાક બનાવવામાં આવે છે. આ ગુંદર પાક ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ પણ મજબૂત થાય છે. તો વજન ઓછું કરવામાં પણ આ ગુંદર પાક મદદરૂપ રહે છે. તો સાથે સાથે હાડકાને મજબૂત કરવા માટે પણ ગુંદર ઉપયોગી છે.
ગુંદર પાક માટે વપરાતી સામગ્રી
મીઠાઈના વેપારી મૌલિક ઠકકરે જણાવ્યું હતું કે, હાડકા માટે આ એડીબલ ગુંદર ખૂબ ઉપયોગી છે અને ખાસ કરીને ઓછી ખાંડ વાળા ગુંદર પાક લોકો ખૂબ ખાતા હોય છે. ગુંદર પાક બનાવવા માટે ખાદ્ય ગુંદર, ઘી, કેસર, માવો, દૂધનું થોડું પ્રમાણ, ગોળ, એલચી પાવડર, સુકો આદુ પાવડર, કાજુ, બદામ, પીસ્તા, જાયફળ વગેરે સામગ્રીનો ઉપયોગ થાય છે.
કંઈ રીતે બને છે ગુંદર પાક?
ગુંદર પાક બનાવવા માટે ગ્રાઇન્ડીંગ જારમાં જાયફળ અને ઈલાયચી નાખીને તેમને પીસવામાં આવે છે અને તેનો બારીક પાવડર બનાવવા આવે છે. તો માવાને પીસીને તેને ઘી સાથે મિક્સ કરીને તેનું મિશ્રણ બનાવવામાં આવે છે જેમાં પીસેલો ગોળ અને કેસર નાખી તેને ગરમ કરવામાં આવે છે ત્યાર બાદ આ મિશ્રણમાં જાયફળ અને ઈલાયચી પાવડર ઉમેરવામાં આવે છે. તો કાજુ, બદામ અને પીસ્તા પણ ઉમેરવામાં આવે છે. ત્યાર બાદ ઘીમાં ગુંદર ઉમેરી તેને ગરમ કરીને ઘીમાં તળવામાં આવે છે. ત્યાર બાદ મિશ્રણમાં ઘી વાળા ગુંદર ઉમેરીને તેનામાં જરૂરી માત્રામાં ઘી ઉમેરવામાં આવે છે અને ત્યાર બાદ તેને એક ચોકીમાં ચોક્કસ આકાર આપવા માટે ઠારવામાં આવે છે.
કચ્છીના અડદિયા પાકની જેમ કચ્છનો ગુંદર પાક પણ પ્રખ્યાત
અડદિયાનો સ્વાદ અમુક લોકોને તીખો લાગે, અમુક લોકોને કડવો લાગે ત્યારે ગુંદર પાક પોતાના સ્વાદ માટે વખણાય છે. સમય જતા સુંદર પાકમાં પણ અનેક વેરાયટીઓ આવી છે જેમાં રેગ્યુલર ગુંદર પાક, ગોળવાળો ગુંદર પાક અને સુગર ફ્રી ગુંદર પાક મળી રહે છે. તો ગુંદર પાકનો ભાવ 880 રૂપિયે કિલો વેચાય છે. જેવી રીતે કચ્છી અડદિયા પ્રખ્યાત છે તેવી જ રીતે કચ્છનું ગુંદર પાક પણ પ્રખ્યાત છે.
આયુર્વેદિક રીતે ગુંદર પાકનું મહત્વ
શિયાળાની ઋતુમાં ગુંદર પાક ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય છે તે અંગે વાતચીત કરતા આર્યુવેદિક વૈદ ડોક્ટર આલાપ અંતાણીએ જણાવ્યું હતું કે, શિયાળાની ઋતુ છે તે શરીરની અંદર ઊર્જા ઉત્પન્ન અને ઉર્જા મેળવવાની ઋતુ છે. જે વ્યક્તિઓ એવું ઈચ્છે છે કે શિયાળાની અંદર જે ખોરાક લે તેના દ્વારા આખું વર્ષ સ્વાસ્થ્ય જળવાઈ રહે તો તેવા આહારમાં ગુંદર પાક પણ એક મહત્વનો ભાગ ભજવે છે. ગુંદર પાકની અંદર જે મુખ્ય ઘટક છે તે છે ગુંદર જે ખાસ કરીને શરીરની અંદર માસ પેશીઓ માટે, અનેક પ્રકારના સાંધાઓ માટે અને હાડકાઓ માટેની મજબૂતી માટે ખૂબ જ ઉપયોગી છે. જો શિયાળાની ઋતુ દરમિયાન ગુંદર પાકનું સેવન કરવામાં આવે તો સાંધાઓને લાગતા ઘસારાને પણ નિયંત્રિત કરી શકાય છે. અને ઋતુઓમાં સામાન્ય રીતે ગુંદર પાકનું સેવન કરવું તે શરીરની પ્રકૃતિ માટે ગરમ લાગી શકે છે. પરંતુ શિયાળાની ઋતુમાં ગુંદર પાક લેવાય તો તેનું પાચન પણ ઉત્તમ રીતે થાય છે. આ ઉપરાંત આયુર્વેદિક રીતે ગુંદર પાકનું સેવન એટલા માટે યોગ્ય છે કે જે લોકો વાયુની સમસ્યાથી પીડાય છે તે લોકો પણ જો ગુંદર પાકનું સેવન કરે તો વાયુની સમસ્યાથી બચી શકાય છે.
આ પણ વાંચો: