બનાસકાંઠા : શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર ગણાતા અંબાના ધામમાં વિશ્વભરમાંથી માઈ ભક્તો આવતા હોય છે. ત્યારે અંબાના ધામનો પ્રસાદ પણ વિશ્વ પ્રખ્યાત છે. લોકો આ પ્રસાદનો લાભ લેતા હોય છે. ત્યારે તાજેતરમાં મોહિની કેટર્સ દ્વારા પ્રસાદમાં બનાવવામાં ડુબલીકેટ ઘી વાપર્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ તંત્ર એક્શનમાં આવ્યું હતું. મોહિની કેટર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં મોહિની કેટરર્સના પોણા ત્રણ કરોડ રૂપિયા અટકાવી દેવામાં આવ્યા છે. ઉપરાંત મોહિની કેટરર્સનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. આ ઘી ક્યાંથી આવ્યું તેની તપાસ કરી ઘી આપનાર વ્યક્તિની અટકાયત અમદાવાદ પોલીસે કરી છે.
મોહિની કેટર્સ સામે કાર્યવાહી : મોહિની કેટર્સ દ્વારા ડુબલીકેટ ઘીનો ઉપયોગ કરીને અંબાજીમાં પ્રસાદ બનાવવામાં આવતો હતો. ત્યારે સેમ્પલ લેવામાં આવ્યા અને સેમ્પલ ફેલ થતાં તાત્કાલિક તેનો કોન્ટ્રાક્ટ રદ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત પોણા ત્રણ કરોડ રૂપિયા અટકાવી દેવામાં આવ્યા છે. ત્યારે આ પ્રસાદ હાલ બનાવવાનું બંધ છે. આ પ્રસાદ ભક્તોને મળી રહે તે હેતુથી તાત્કાલિક ધોરણે ફરીથી ટચ સ્ટોન ફાઉન્ડેશનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. જેથી દર્શન કરવા આવતા લોકોને શુદ્ધ પ્રસાદ મળી રહે.
નવા એકમને કામ સોંપાયું : મળતી માહિતી મુજબ અંબાજીમાં 2012 થી 2017 સુધી ટચ સ્ટોન ફાઉન્ડેશનને ટેન્ડર આપવામાં આવ્યું હતું. પરંતુ તે દરમિયાન આ મંદિરમાં ભક્તોની ભીડ વધતા આ ફાઉન્ડેશન દ્વારા દૂધની જગ્યાએ દૂધના પાવડરનો ઉપયોગ કરીને પ્રસાદ બનાવવામાં આવતો હતો. ત્યારે આ બાબતની જાણ તંત્રને થતા તેને 60 હજારનો દંડ ફટકારવામાં પણ આવ્યો હતો. ત્યારે ફરી એ જ કંપનીને કામ સોંપવામાં આવતા ક્યાંક ને ક્યાંક ભક્તોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.
શું હતો મામલો ? અંબાજી મંદિરના પ્રસાદમાં મળતો મોહનથાળ ફરી એકવાર વિવાદમાં આવ્યો છે. ચાલુ વર્ષે ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ મોહનથાળનો પ્રસાદ લીધો હતો. ત્યારે આ મોહનથાળના પ્રસાદ વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અંબાજીમાંથી લેવામાં આવેલા ફૂડ સેમ્પલ ફેલ થયા છે. ખાસ વાત છે, જે ઘીના ડબ્બાના સેમ્પલ ફેલ થયા છે, તે ઘીનો ઉપયોગ અંબાજીના મોહનથાળ બનાવવામાં કર્યો છે. અંબાજીના પ્રસાદમાં પણ ગોલમાલ થઈ હોવાની રાવ ઉઠી છે.
મોહિની કેટર્સના પોણા ત્રણ કરોડ રૂપિયા અટકાવી રાખવામાં આવ્યા છે. તેમજ તેનો કોન્ટ્રાક્ટ પણ રદ કરી દેવામાં આવ્યો છે. ઘી ક્યાંથી આવ્યું એ દિશામાં હાલ તપાસ ચાલુ છે. ઘી આપનાર વ્યક્તિની અમદાવાદ પોલીસે અટકાયત કરી રહી છે. -- વરુણ બરનવાલ (બનાસકાંઠા જિલ્લા કલેકટર)
પ્રસાદમાં ભેળસેળ હતી ? 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી મહામેળો યોજાવાનો હતો. જેમાં દર વખતની જેમ આ વખતે પણ મોટી માત્રામાં પ્રસાદ બનાવવાનો હતો. જેથી અંબાજીમાં ફૂડ વિભાગે તારીખ 26/08/2023 ના રોજ મોહિની કેટર્સમાંથી પ્રસાદ બનાવવા માટે જે ઘીનો ઉપયોગ થાય છે તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા. ત્યારબાદ રિપોર્ટમાં આ સેમ્પલ ફેલ થયા હતા અને ડુપ્લીકેટ ઘી છે તેવું જણાઈ આવ્યું હતું. તેથી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ઘી સીલ કરી દેવામાં આવ્યું હતું. તે ઘીનો ઉપયોગ પ્રસાદમાં કરવામાં આવ્યો નહતો. તેની જગ્યાએ બનાસ ડેરીમાંથી શુદ્ધ ઘી લાવવામાં આવ્યું હતું. યાત્રાળુઓ માટે ચોખા ઘીનો પ્રસાદ મળી રહે તે માટે બનાસડેરીના ઘીમાંથી પ્રસાદ બનાવવામાં આવ્યો હતો.
તંત્રનો ખુલાસો : આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટર વરુણ બરનવાલે જણાવ્યું કે, 23 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી માઁ અંબાના ધામમાં પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને પ્રસાદ બનાવવામાં આવતો હતો. તે દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા ઘીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તે ઘીના સેમ્પલ ફેલ થયા હતા. તેથી તાત્કાલિક ધોરણે તે તમામ ઘી હટાવીને નવું ઘી લાવીને પ્રસાદ બનાવવામાં આવ્યો હતો. જોકે બેદરકારી સામે આવતા તાત્કાલિક ધોરણે પ્રસાદ બનાવતી મોહિની કેટર્સ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
નવી કંપનીમાં પણ છીંડા : જિલ્લા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાલ પ્રસાદ બનાવવા માટે ટચ સ્ટોન ફાઉન્ડેશનને ટેન્ડર આપવામાં આવ્યું છે. ટચ સ્ટોન ફાઉન્ડેશન એમડીએમ તેમજ ઘણા બધા શહેરમાં કામ કરે છે. તેની ખૂબ રેપ્યુટેશન પણ છે, તેથી તેને કામ આપવામાં આવ્યું છે. આ કંપનીએ અંબાજીમાં 2012 થી 2017 સુધી મોહનથાળ બનાવવાનું કામ કર્યું છે. જ્યારે ભીડ હતી ત્યારે તેને દૂધની જગ્યાએ પાવડર મોહનથાળ બનાવવામાં વાપર્યો હતો. જે મામલે તેને 60 હજારનો દંડ પણ તંત્ર દ્વારા ફટકારવામાં આવ્યો હતો. આ સિવાય તેના સામે એવો કોઈ બીજો કિસ્સો બન્યો ન હતો. ત્યારે પહેલાં કરતાં અત્યારે અમારી સિસ્ટમ વધારે મજબૂત છે. એટલે સારી ગુણવત્તાનો પ્રસાદ ભક્તોને મળી રહે તે માટે અમે તમામ પગલાં ભરીએ છીએ.