- કુલ 50 બેડની કોવિડ કેર હેલ્થ સેન્ટર બનાવવામાં આવ્યું
- 30 બેડ ઓક્સિજન વાળા અને 20 સામાન્ય બેડ
- અંબાજીની ડેઝીગ્નેટેડ કોવીડ હેલ્થ સેન્ટરમાંથી 21 દર્દીઓ સાજા થયા
બનાસકાંઠાઃ જિલ્લાના દાંતા તાલુકામાં સતત વધી રહેલા કોરોના કેસને લઈ દર્દીઓને સ્થાનિક સ્તરે સારવાર મળી રહે તે માટે યાત્રાધામ અંબાજીની જનરલ હોસ્પિટલને હાલ ડેઝીગ્નેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં પરિવર્તિત કરવામાં આવી છે. આ કોવિડ હેલ્થ સેન્ટરમાં હાલ 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં 30 બેડ ઓક્સિજન વાળા અને 20 સામાન્ય બેડ છે. જેમાં તમામ બેડ હાલ હાઉસફૂલ થઈ ગયા છે, ત્યારે હજુ પણ દર્દીઓનો ઘસારો ચાલુ છે.
હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા ન હોવાથી દર્દીઓના થઈ રહ્યા છે મોત
જોકે હાલ ઓક્સિજન ઘટવાના લીધે દર્દીઓ મોટી સંખ્યામાં પરેશાન થઈ રહ્યા છે. દર્દીઓ અંબાજી તો પહોંચી રહ્યા છે, પરંતુ અંબાજી ખાતે ઓક્સિજનના જમ્બો સિલેન્ડર પાલનપુરથી લાવવામાં આવે છે, જોકે, આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા ન હોવાથી દર્દીઓના મોત પણ થઈ રહ્યા છે. હમણાં સુધી આ હોસ્પિટલમાં 7 કોરોના દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં મહત્તમ વેન્ટિલેટરના અભાવે આ પરિસ્થતિ નિર્માણ થઈ છે. જેને લઈ મૃત્યુ પામનારા વ્યક્તિના પરિજનો પણ આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા ઉભી કરવાની માગ કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના દર્દીઓના ઓક્સિજન માટે ધારાસભ્યએ આપ્યું દાન
હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા ઉભી કરવા માગ
આ હોસ્પિટલમાં 21 કોરોના દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ હોસ્પિટલમાં હાલ કુલ 6થી વધુ તબીબો સારવાર આપી રહ્યા છે. ઓક્સિજનની પડતી મોટી હાલાકીને લઈ ઓક્સિજન પ્લાન્ટ નાખવાની પણ તાજવીજ હાથ ધરાઈ છે. વેન્ટિલેટર વગર કોરોના દર્દીઓના મોત થઈ રહ્યા છે, આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની કોઈ સુવિધા નથી, ત્યારે સરકાર વેન્ટિલેટર સહીત તેના તબીબની નિષ્ણાત ટીમ અને લેબોરેટરી આપે તો આ હોસ્પિટલમાં વેન્ટિલેટરની સુવિધા થઈ શકે તેમ છે.
આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓને સારવાર પુરી પાડવા માટે કોંગ્રેસના ધારાસભ્યોની રજૂઆત
હોસ્પિટલમાં દર્દીઓ સહીત તેમના સગાવાલાઓ માટે છે જમવાની વ્યવસ્થા
આ જનરલ હોસ્પિટલમાં દર્દીઓ સહીત તેમના સગાવાલાઓને જમવાની વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પુરી પાડવામાં આવી રહી છે. જેને અંબાજીના સ્વંય સેવકો પણ ટેકો આપી રહ્યા છે. હાલ વધતા જતા દર્દીઓને ધ્યાનમાં રાખી વધુ 30 ઓક્સિજન વાળા બેડ તૈયાર કરાઈ રહ્યા છે. તેમજ જરૂર પડશે તો આ હોસ્પિટલમાં 100થી 150 બેડની સુવિધા પણ કરવામાં આવશે.