- કોરોના વાઇરસની મહામારી વચ્ચે અલ્પેશ ઠાકોરની જંગી સભા યોજાઈ
- પ્રતિષ્ઠા મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી
- માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો
- કોરોનાના વધતા કેસ વચ્ચે ભાજપના નેતાઓ પર અનેક સવાલો
બનાસકાંઠાઃ ગુજરાતમાં કોરોના વાઇરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે જિલ્લામાં પણ સતત કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. વધતા જતા કોરોના વાઇરસના કેસોને અટકાવવા માટે જિલ્લા વહીવટીતંત્ર પણ રાત દિવસ મહેનત કરી રહ્યું છે. સરકારની ગાઇડલાઇનનું પાલન કરે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સતત સૂચનો આપવામાં આવી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પણ કોરોના વાઇરસને અટકાવવા માટે રાત દિવસ મહેનત કરવામાં આવી રહી છે. તેમ છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગ દરમિયાન જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ પાલનપુરમાં કોંગ્રેસના ગઢમાં લોકસભાના સભ્ય પરબત પટેલે ચૂંટણી સભા સંબોધિત કરી
- કોરોના વાઇરસની મહામારી વચ્ચે અલ્પેશ ઠાકોરની સભા યોજાઈ
વડગામના ગીડાસણ ગામે પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના ધજાગરા ઉડ્યા હોવાની ઘટના સામે આવી છે. વડગામ તાલુકાના ગીડાસણ ગામે મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અલ્પેશ ઠાકોર સહિત અનેક આગેવાનો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં યોજાયેલી સભામાં 500થી પણ વધુ લોકોની ભીડ એકત્ર થઈ હતી. જેમાં મોટાભાગના લોકો પણ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ વગર નજરે પડ્યા હતા. એક તરફ સરકાર કોરોના મહામારી સામે જંગ લડી રહી છે ત્યારે બીજી તરફ નેતાઓ સભાઓ કરી તાયફાઓ કરી રહ્યા છે. રોડ પર માસ્ક વગર નીકળતા એકલદોકલ વ્યક્તિને ઉભા રાખી તંત્ર દ્વારા એક હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. ત્યારે બીજી તરફ નેતાઓ મોટી-મોટી સભાઓ કરી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કના નિયમોના લીરેલીરા ઉડાવી રહ્યા છે. તેમ છતાં પણ તેમની સામે કોઈ જ કાર્યવાહી ન થતા તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો થઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ પાલનપુરમાં નવનિર્વાચિત રાજ્યસભા સાંસદે યોજી ચૂંટણી સભા
- સરકાર દ્વારા ભીડ એકત્રિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
ગુજરાતમાં વધેલા કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે કોરોના વાઇરસને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા રોજે-રોજ સૂચનાઓ આપવામાં આવી રહી છે પરંતુ ગુજરાત સરકારની સૂચનાઓ ભાજપના નેતાઓને જ દેખાતી નથી. સરકારે લગ્ન પ્રસંગે 100થી વધુ લોકો એકત્રિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે પરંતુ બીજી તરફ ભાજપના નેતાઓ જ જાણે સરકારની ગાઇડ લાઇન ભૂલી ગયા હોય તેવા દ્રશ્યો બનાસકાંઠા જિલ્લામાં સામે આવી રહ્યા છે.