પાલનપુરઃ સમગ્ર દેશમાં વૈશ્વિક કોરોના મહામારી છે, ત્યારે એશિયાની સૌથી મોટી ડેરી સામાજિક જવાબદારી નિભાવવાની કામગીરી હાથ ધરી છે. બનાસ ડેરી દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ ગામોને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત અત્યાર સુધી ૧૨૫ થી વધુ ગામોને સેનેટાઈઝ કરવામાં આવ્યા છે.

ન માત્ર દૂધ મંડળી પરંતુ ગામના તમામ રસ્તાઓ, મકાનો તેમજ આવશ્યક ચીજવસ્તુઓ માટે લોકોની અવરજવર થતી દુકાનો પર બનાસડેરી ની સેનેટારાઈઝર ટીમ કામગીરી કરે છે. બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી તથા નિયામક મંડળી કોરોના મહામારી વચ્ચે તમામ ગામો સેનેટાઈઝ થાય તે માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે.

જિલ્લાના 1500 જેટલા ગામોને સેનેટાઈઝ કરવા માટે બનાસ ડેરી દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. જે ટીમો ગામડાઓમાં જઈ ગામડાઓને સેનેટાઈઝ કરી રહી છે. એક ટકા સોડિયમ હાઇપોક્લોરાઈડનું પાણી સાથે દ્રાવણ બનાવી તેનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. બનાસ ડેરીની આ કામગીરીને સ્થાનિક લોકો પણ વખાણી રહ્યા છે. મહામારીના સમયે લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતી બનાસ ડેરી સંકટના સમયે સેવા કરી રહી છે.
