બનાસકાંઠા : ડીસા તાલુકાના વાસણા ગામ પાસે બનાસ નદીમાં એક યુવક ડૂબ્યો હતો. વાસણા ગામે રહેતો શૈલેષ પટણી નામનો 18 વર્ષીય યુવક તેના ત્રણ મિત્રો સાથે બકરા ચરાવવા બનાસ નદી તરફ ગયો હતો. શૈલેષ નદીમાં ન્હાવા પડ્યો અને પાણીના વહેણમાં ફસાઈ જતા ડૂબવા લાગ્યો હતો. શૈલેષને ડૂબતો જોઈ તેના મિત્રો તેને બચાવવા માટે નદીમાં કૂદી પડ્યા હતા. પરંતુ ઘણા પ્રયાસો કરવા છતાં શૈલેષને ડૂબતો બચાવી શક્યા નહોતા.
નદીના વમળમાં ફસાયો : આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. તેઓએ પણ યુવકને બચાવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. પરંતુ ત્યાં સુધીમાં તો યુવક ડૂબી ગયો હતો. બનાવની જાણ થતાં ગામના સરપંચ સહિત યુવકના પરિવારજનોએ પોલીસને જાણ કરી હતી. ડીસા તાલુકા પોલીસ સહિત અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર સેફ્ટીના સાધનો સાથે સ્થાનિક તરવૈયાઓની ટીમે યુવકની શોધખોળ હાથ ધરી હતી.
હું આજે મારી શાકભાજીની દુકાને હતો. તે દરમિયાન મને બપોરે ફોન આવ્યો કે, તમારો દીકરો પાણીમાં તણાઈ ગયો છે. તેથી હું તાત્કાલિક અહીં આવ્યો અને જોયું તો બધા આજુબાજુના લોકો ત્યાં હતા. તેઓ મારા દીકરાની શોધખોળ કરતા હતા. અત્યારે મારો દીકરો પાણીમાં ડૂબી ગયો છે અને તંત્ર દ્વારા તેની શોધખોળ ચાલુ છે. 2017 માં પણ અમારો ભત્રીજો આવી જ રીતે પાણીમાં ડૂબીને મરી ગયો હતો.-- જીવણભાઈ પટણી (મૃતકના પિતા)
એક જ પરિવારના બે યુવકનો ભોગ : ઉલ્લેખનીય છે કે, મૃતક યુવક શૈલેષ પટણીના કાકાનો દીકરો સની પટણીનું પણ અગાઉ વર્ષ 2017 બનાસ નદીમાં જ ડૂબી જતા મોત નીપજ્યું હતું. ત્યારબાદ આજે ફરી એકવાર પટણી પરિવારનો યુવક બનાસ નદીમાં ડૂબી જતા અરેરાટી વ્યાપી ગઈ હતી. આ અંગે ગામના સરપંચે જણાવ્યું હતું કે, આજે એક વાગ્યાની આજુબાજુ મને ફોન આવ્યો કે, વાસણા ગામની નદીમાં કોઈ યુવક ડૂબ્યો છે. ત્યારે હું તાત્કાલિક ધોરણે અહીં દોડી આવ્યો અને મામલતદાર અને તરવૈયાની ટીમને જાણ કરી હતી. તાત્કાલિક ધોરણે તંત્ર દોડી આવ્યું અને સ્થાનિક લોકો તેમજ તંત્રની મદદથી હાલ તેની શોધખોળ ચાલુ છે.
આવી રીતે બની દુર્ઘટના : આ બાબતે યુવકને બચાવવા જનાર યુવકે જણાવ્યું હતું કે, અમે અહીં બકરા ચરાવતા હતા. તે દરમિયાન આ ભાઈ અહીં બકરાને પાણી પીવડાવવા માટે આવ્યો હતો. ત્યારે તે હાથપગ ધોવા માટે અંદર ગયો હતો. અચાનક પાણી આવ્યું એટલે તે પાણીમાં તણાઈ ગયો હતો. પછી હું એને બચાવવા માટે અંદર પાણીમાં કૂદી પડ્યો. તેેને બચાવવાના પ્રયાસો કર્યા પરંતુ પાણી અંદર ખેંચી જતું હતું તેથી હું બચાવી ન શક્યો. હું પણ પાણીમાં તણાયો તે દરમિયાન બીજા લોકો દોડી આવ્યા અને મને બહાર કાઢ્યો. એ ભાઈ હજુ સુધી મળ્યો નથી. તંત્ર દ્વારા તેની શોધખોળ ચાલુ છે.
તંત્રની લોકોને અપીલ : બનાસ નદીમાં પાણી છોડાયું ત્યારથી જ તંત્ર દ્વારા લોકોને બનાસ નદીમાં અવરજવર ન કરવા માટે વારંવાર સૂચના અને અપીલ કરવામાં આવી છે. તેમ છતાં કેટલાક લોકો તંત્રની આ સુચનાને અવગણીને બનાસ નદીમાં નાહવા પડી રહ્યા છે. ત્યારે ફરી એકવાર આવી ઘટના સર્જાતા તંત્ર દ્વારા નદી કાંઠે રહેતા અને ગામડામાં રહેતા લોકોને બનાસ નદીમાં અવરજવર ન કરવા માટે અપીલ કરવામાં આવી છે.