- પીએમ કિસાન સહાય યોજનાનો દુરુપયોગ
- બોગસ ખેડૂતોના કૌભાંડનો પદાર્ફાશ
- બાયોસેલ્ફ એન્ટ્રીની યોજનાથી છેતરપિંડી
- બોગસ ખેડૂતો સામે કડક પગલાં લેવાયા
બનાસકાંઠા: જિલ્લાના સરહદી વિસ્તારોમાં બોગસ ખેડૂત બની પીએમ કિસાન સહાય યોજનાનો લાભ મેળવતા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે. થરાદના ધારાસભ્યએ લખેલા પત્રથી કૃષિપ્રધાને તપાસ કરાવતા વાવ અને થરાદમાં અનેક ખોટા ખેડૂતોના નામો બહાર આવ્યા છે. આ લોકોએ અધૂરી વિગતો અથવા ખોટા ડોક્યુમેન્ટના આધારે ખેડૂત બની સરકારને ચૂનો લગાવ્યો છે.
બોગસ ખેડૂતોનું કૌભાંડ
જિલ્લામાં હવે નકલી ખેડૂત કૌભાંડ બહાર આવ્યું છે. કેન્દ્ર સરકારે વારંવાર નુકસાન સહન કરતા, પોષણક્ષમ ભાવ ન મળતાં તેમજ આર્થિક રીતે પડી ભાંગેલા ખેડૂતોને સહાય કરવા માટે પીએમ કિસાન સહાય યોજનાની શરૂઆત કરી છે. જે યોજનામાં ખેડૂત ખાતેદારને વર્ષે 6 હજાર રૂપિયાની સહાય ચૂકવવામાં આવે છે. આ સહાય ખેડૂતના ખાતામાં સીધી જ જમા થાય છે. પરંતુ બનાસકાંઠા જિલ્લાની અંદર અનેક ગામડાઓમાં ખેડૂત ખાતેદાર ન હોવા છતાં પણ ખોટી રીતે ખેડૂત બની સરકારની આ યોજના નામે લોકો પૈસા પડાવી રહ્યા છે. જે મામલે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતને આ અંગેની જાણકારી મળતા જ તેઓએ તરત જ કૃષિપ્રધાનને પત્ર લખી આ મામલે તપાસ કરાવવા રજૂઆત કરી હતી.
બોગસ ખેડૂતો વિરુદ્ધ સરકારે લીધા પગલાં
ગુલાબસિંહ રાજપૂતે લેખિત રજૂઆત કર્યા બાદ સરકાર પણ આ મામલે તરત જ એક્શન મોડમાં આવી ગઈ હતી. નકલી ખેડૂત કૌભાંડ મામલે તપાસ કરવાના આદેશ આપ્યા હતા. જેમાં થરાદ તાલુકા વિકાસ અધિકારીએ વાવ અને થરાદના ગામડાઓમાં તપાસ શરૂ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી હતી. જેમાં વાવના ખોડા ગામમાં 32 બોગસ ખેડૂતોના નામ સામે આવ્યા છે. આ સિવાય વાઘાસણમાં 166, વેદલા ગામમાં 32 અને કરબૂણ ગામમાં 16 નકલી ખેડૂતો મળી આવ્યા હતા. આ નકલી ખેડૂતોમાંથી મોટાભાગના ખેડૂતોએ સરકારની પીએમ કિસાન યોજનાનો લાભ પણ લીધો છે. જોકે હવે ખોટી રીતે પડાવેલા નાણાંની તાલુકા વિકાસ અધિકારીએ ઉચ્ચ સ્તરે લેખિત જાણ કરી દીધી છે.
બોગસ ખેડૂતોની પુછપરછ
તાલુકા વિકાસ અધિકારીએ નકલી ખેડૂત કૌભાંડ મામલે તપાસ કરતા અનેક નકલી ખેડૂતોના નામ બહાર આવે છે. જેમાં આ નકલી ખેડૂતો સાથે તેની પૂછપરછમાં તેઓએ થરાદમાં આશાપુરા કોમ્પ્યુટર અને વાવમાં વહાણવટી એન્ટરપ્રાઇઝ નામના સેન્ટરપરથી અરજી કરી હોવાનું જાણવા મળ્યું છે. જેથી તાલુકા વિકાસ અધિકારી આ બંને ઓનલાઇન સેન્ટર ચલાવતા સંચાલકોને પણ નોટિસ પાઠવી તપાસ શરૂ કરી છે. આ સિવાય પણ વાવ અને થરાદના તમામ તલાટીઓને પણ તેના ગામમાંથી કેટલાક ખેડૂતો પીએમ કિસાન સહાય યોજનાનો લાભ મેળવી રહ્યા છે તે તમામ ખેડૂતોની તપાસ કરવા માટેના આદેશ આપ્યા છે.
બાયોસેલ્ફ એન્ટ્રીની યોજના
ખોટા દસ્તાવેજ રજૂ કરી ખાતેદાર બની લાખો રૂપિયાનો આર્થિક લાભ મેળવ્યો હોવાનું બહાર આવ્યું છે. જેની પાછળનું મુખ્ય કારણ છે બાયોસેલ્ફ એન્ટ્રી. સરકારે થોડા સમય પહેલાં જ બાયોસેલ્ફ એન્ટ્રીની સહાય બહાર પાડી છે. જેમાં અરજદારો પોતાના મોબાઇલમાંથી કે કોઈપણ કોમ્પ્યુટર સેન્ટરમાંથી સહાય માટે અરજી કરી શકે છે. આ તકનો લાભ લઇ ઘણા કૌભાંડીઓએ ખેતીની જમીન જે તે ગામમાં નહીં હોવા છતાં અથવા ખેડૂતો જ નહીં હોવા છતાં પણ અરજીઓ કરી સહાય મેળવી લીધી છે. કૌભાંડીઓના ખાતામાં પણ રૂપિયા 4000 કે 2000ની સહાય ચૂકવાઇ ગઇ છે.આ પહેલા યોજના અમલમાં આવી ત્યારે તલાટીમંત્રી દ્વારા જ ફોર્મ ભરવામાં આવતા હતા. તે સમયે અરજદારે ખેડૂત તરીકેના પુરાવા કે સાત-બારના ઉતારા રજુ કર્યા બાદ જ તેમની એન્ટ્રી કરવામાં આવતી હતી. પરંતુ હવે સરકારે કોઈપણ ઓનલાઈન ઓફિસ કે મોબાઈલમાંથી એન્ટ્રી કરી સરકારી લાભ મેળવી રહ્યા છે ત્યારે જાણે સરકાર અને અધિકારીઓએ કંઈ પણ વિચાર્યા વિના જ આ પગલું ભર્યું અને બુદ્ધિનું દેવાળુ ફૂક્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.