- પાલનપુર, ડીસા, ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે
- ધાનેરા, થરા નગરપાલિકામા પેટા ચૂંટણી
- કાંકરેજ અને દાંતીવાડા તાલુકા પંચાયતમાં યોજાશે પેટા ચૂંટણી
- કોવિડને લઈને સરકારની ગાઈડલાઈન મુજબ ચૂંટણી યોજાશે
બનાસકાંઠાઃ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. જે હેઠળ સોમવારે જિલ્લા કલેકટર આનંદ પટેલની અધ્યક્ષતામાં પ્રેસ કોંફરન્સ યોજાઈ હતી. જિલ્લા કલેકટરે માહિતી આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ ધાનેરા અને થરા પાલિકાના એક-એક વૉર્ડની પેટા ચૂંટણી અને કાંકરેજ તેમજ દાંતીવાડા તાલુકા પંચાયતની એક-એક સીટની પેટાચૂંટણી 28 ફેબ્રુઆરીએ યોજાશે. જે માટેનું જાહેરનામું સોમવારે પ્રસિદ્ધ કરાયું છે.
કોરોના પોઝિટિવ વ્યક્તિ પણ ચૂંટણી લડી શકશે
તેઓએ વધુમાં જણાવ્યું કે, કોરોના વચ્ચે સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ રહી હોવાથી ચૂંટણી માટે ખાસ કોરોનાની ગાઈડલાઈન પ્રસિધ્ધ કરાઈ છે. જેમાં કોરોના પોઝિટિવ વ્યક્તિ પોતાના ટેકેદારને મોકલી ચૂંટણી ફોર્મ ભરાવી શકે છે, પરંતુ જો કોઈ કોરોના પોઝિટિવ રૂબરૂમાં આવી ઉમેદવારી નોંધાવવા માંગતું હશે તો તેણે પીપીઈ કીટ પહેરીને ફોર્મ ભરવા આવવું પડશે. જોકે, તે ઓનલાઇન માધ્યમથી જ પ્રચાર કરી શકશે, તેણે કોરોનાના નિયમનું પાલન કરી ઘરે જ રહેવું પડશે. આ ઉપરાંત જો કોઈ કોરોના પોઝિટિવ મતદાતા મત આપવા માંગતો હશે તો તેણે પણ પીપીઈ કીટ પહેરીને મતદાન કરવું પડશે. આ ઉપરાંત મતદાન કેન્દ્રો પર સેનિટાઈઝર, હેન્ડ ગ્લોવ્ઝ અને થર્મલ ગનની વ્યવસ્થા ઉભી રખાશે. આ ઉપરાંત જો કોઈ મતદાતાનું ટેમ્પરેચર 38 ડિગ્રીથી વધુ આવશે તો તેનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ તેને મત આપવા દેવાશે.
કોરોના પોઝિટિવ મતદાતાઓએ પીપીઈ કીટ પહેરી મતદાનના અંતિમ કલાકમાં મતદાન કરવાનું રહેશે
કોઈ ઉમેદવાર કોવિડ પોઝિટિવ હોય તો એના ટેકેદાર ઉમેદવારીપત્ર ભરી શકશે, આ ઉપરાંત ઉમેદવાર ઓનલાઇન ફોર્મ ભરી ફી ભર્યાની પાવતી ચૂંટણી અધિકારીને રૂબરૂમાં આવી જમાં કરી શકે છે. પરંતુ આવા ઉમેદવારે ચૂંટણી કચેરીએ પીપીઈ કીટ પહેરીને તેમજ તબીબનું પ્રમાણપત્ર મેળવીને જ આવવાનું રહેશે. જોકે, આવા ઉમેદવારો જાહેરમાં ચૂંટણી પ્રચાર કરી શકશે નહીં. તેમજ મતદારોનો રૂબરૂ સંપર્ક સાધી શકશે નહીં, તેઓએ માત્ર ઓનલાઇન માધ્યમથી જ ચૂંટણી પ્રચાર કરવો પડશે. આ ઉપરાંત જો કોઈ મતદાતા કોરોના પોઝિટીવ હોય તો તેણે અગાઉથી જ જાણ કરીને પીપીઈ કીટ પહેરી મતદાનના અંતિમ કલાકમાં મતદાન કરવાનું રહેશે. ચૂંટણીમાં રોડ શો કરવા માટે પણ 5 વાહનોને જ પરવાનગી આપવામાં આવશે. તેમજ કોઈ પણ મતદાર માસ્ક પહેરીયા વગર મતદાન કરવા આવશે તો એક હજાર રૂપિયાનો દંડ થશે. આ તમામ માહિતી સોમવારે જિલ્લા કલેક્ટરે પત્રકાર પરિષદમાં જણાવી હતી.
ઉમેદવારોના ચૂંટણી ખર્ચની મર્યાદા
- પાલનપુર, ડીસા તેમજ ભાભર પાલિકાની ચૂંટણી માટે 2 લાખ 25 હજારની ખર્ચ મર્યાદા
- થરા અને ધાનેરા પાલિકાની પેટા ચૂંટણીમાં દોઢ લાખની ખર્ચ મર્યાદા
- કાંકરેજ અને દાંતીવાડા તાલુકા પંચાયતમાં પેટા ચૂંટણીમાં 2 લાખના ચૂંટણી ખર્ચની મર્યાદા