આ સમગ્ર કૌભાંડ મામલે જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલે કર્યા હતા આક્ષેપ
બનાસકાંઠાઃ જિલ્લાના અમીરગઢના બાલુન્દ્રા ગામમાં મનરેગા યોજનાના કામમાં 10 કરોડ રૂપિયાનું કૌભાંડનો મામલો પ્રકાશમાં આવતા જ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં સ્થાનિક જાગૃત નાગરિક કિરણભાઈ પરમારે વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કૌભાંડ મામલે કોઇ જ તપાસ ન થતાં આખરે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને હાર્દિક પટેલને રજૂઆત કરતા બન્નેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
હાર્દિક અને મેવાણીના આક્ષેપ બાદ બનાસકાંઠાના સાંસદ પરબત પટેલે આપી હતી પ્રતિક્રિયા
આ પ્રેસ કોન્ફરન્સમાં મનરેગાના કામમાં થયેલા 10 કરોડના કૌભાંડ મામલે સરકાર સામે સવાલો ઉઠાવ્યા હતા. જો કે ત્યાર બાદ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવતાં જ બનાસકાંઠા સાંસદ પરબત પટેલ અને જિલ્લા અધિકારીએ પ્રેસ કોન્ફ્રાન્સ યોજી ખુલાસો કર્યો હતો. જેમાં બાલુન્દ્રા ગામમાં માત્ર 1.18 કરોડના જ કામ થયા હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં જિલ્લા વિકાસ અધિકારીએ અધિક કલેક્ટર કક્ષાના અધિકારીની નિમણૂક કરી સમગ્ર મામલે તપાસ સોંપી છે, જ્યારે 200 ડમી જોબ કાર્ડ રદ કરવા મામલે પણ આજે સોમવારે ગેજેટેડ અધિકારી દ્વારા ગેરરીતિની તપાસ માટે અમીરગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.