પાલનપુરઃ હાલમાં કોરોના વાઈરસના વધતાં સંક્રમણને લઈ લોકડાઉન વધારવામાં આવ્યું છે. જેના કારણે તમામ વિસ્તારોમાં લોકડાઉનની સ્થિતિ છે. ત્યારે આજે ડીસા તાલુકાના જોરાપુરા ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે રાહદારીનું મોત થયું છે.
બનાસકાંઠા જિલ્લામાં અવાર નવાર બનતાં અકસ્માતોને લઈ અનેક લોકો મોતને ભેટ્યા હતાં. પરંતુ કોરોના વાઈરસના લીધે ચાલી રહેલા લોકડાઉન દરમિયાન એક અકસ્માતની ઘટના જોવા મળી નથી. એવામાં આજે ડીસ નજીક રોડ અકસ્માતમાં એક રાહદારીનું મોત થયું છે.
લોકડાઉનને કારણે હાલ રસ્તાઓ સુમસામ બની ગયા છે. પરંતુ આવી સ્થિતિમાં આજે ડીસા તાલુકાના જોરાપુરા ગામ પાસે એક અજાણ્યા વાહન ચાલકે રસ્તા પર ચાલતા રાહદારી મનુભાઈ ઉર્ફે શૈલેસ રહે.વેડચા વાળાઓને ટક્કર મારી હતી. જ્યાં તે રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માતની જાણ આજુબાજુના લોકોને થતા તાત્કાલિક ધોરણે ડીસા તાલુકા પોલીસને જાણ કરી હતી.
જ્યાં પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મોત થયેલા વ્યક્તિને ડીસાના સેવાભાવી મનુભાઈ આશનાની દ્વારા તેમના મૃતદેહને પીએમ અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.