- પાલનપુર નગરપાલિકાની વિકાસના કામોની સભા યોજાઇ
- નગરપાલિકાની વિકાસના કામોની સભામાં મચ્યો હોબાળો
- ભાજપના જ સદસ્યે કર્યો નગરપાલિકાના પ્રમુખ સામે આક્ષેપ
બનાસકાંઠા : પાલનપુર નગરપાલિકાની સામાન્ય સભા બુધવારના રોજ યોજાઇ હતી. જેમાં ભાજપ અને કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા નગર સેવકો હાજર રહ્યા હતા. જો કે, પાલિકાના મુખ્ય અધિકારીની ઉપસ્થિતિમાં મળેલી આ બેઠકમાં એજન્ડાના મુદ્દા શરૂ કરતા જ વિરોધ પક્ષ દ્વારા વિકાસ કામોમાં ગેરરીતિ આચારવાના મુદ્દે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.
વિકાસ કામોમાં ગેરરીતિના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ
પાલનપુર શહેરમાં થયેલા વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આક્ષેપો સાથે ભાજપના જ નગર સેવક અમૃત જોશીએ વિરોધ નોંધાવતા મિટિંગ હોલમાં ખળભળાટ મચી ગયો હતો અને અમૃત જોષી અને પાલિકા પ્રમુખ અશોક ઠાકોર વચ્ચે તૂતૂ મેંમેં થઈ હતી. જે બાદ પ્રમુખે શાસક પક્ષની બહુમતીથી તમામ ઠરાવો પાસ કરી સભા સમેટી લીધી હતી.
પાલિકા સભ્ય અમૃત જોષીને ખોટા આરોપ લગાવવાની ટેવ છે
મીડિયા સમક્ષ પ્રતિક્રિયા આપતા નગરપાલિકા પ્રમુખે જણાવ્યું હતું કે, નગર સેવક અમૃત જોષી ભાજપના સભ્ય છે કે, નહીં તે મને ખબર જ નથી. તે ભાજપમાં છે કે, અન્ય પક્ષમાં તે હું જાણતો જ નથી. અમૃત જોષીને ખોટા આરોપ લગાવવાની ટેવ છે.
ભાજપના જ સદસ્યના નગરપાલિકાના પ્રમુખ સામે આક્ષેપ
પાલનપુર પાલિકા પ્રમુખના નિવેદન બાદ ભાજપના સદસ્ય અમૃત જોષીએ પાલિકા પ્રમુખ અશોક ઠાકોર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. આ સાથે અમૃત જોષીએ જણાવ્યું હતું કે, હું ભાજપનો સભ્ય છું અને પાર્ટીએ જ મને ભ્રષ્ટાચાર વિરુદ્ધ બોલતા શીખવાડ્યું છે. પ્રમુખ અશોક ઠાકોર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર આચરીને કરોડો રૂપિયાની ગેરરીતિ આચરી છે. હું તેમના ભ્રષ્ટાચારને બહાર લાવું છું એટલે તેઓ મને બોલવા દેતા નથી. હું પ્રજાના હિત માટે હંમેશા લડતો રહીશ.