- દાંતીવાડા તાલુકાની દીકરીનું અનોખું હુન્નર
- મહારાષ્ટ્રમાં યોજાયેલી નેશનલ ગેમ્સમાં 80 મીટર વિઘ્ન દોડમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યુ
- વિલાસબા વાઘેલાએ વિવિધ રમતોમાં અનેક મેડલો જીત્યા
બનાસકાંઠાઃ જિલ્લાના દાંતીવાડા તાલુકાના નાની ભાખરમાં રહેતી વિલાસબા વાઘેલા નામની આ દિકરી એકદમ સ્લમ પરિવારમાંથી આવે છે. નાની ભાખરથી આગળ નહેર નજીક એક ઝુંપડા વાળા ઘરમાં રહેતી દિકરીના ઘરમા આજદીન સુધી વીજ કનેકશન જ નથી. વિલાસ બાએ પોતાનામાં રહેલી એથ્લેટિક્સ પ્રત્યેની પ્રતિભાને પોતાની શાળામાં પ્રદર્શિત કર્યા બાદ શાળાના શિક્ષકો તેમજ ગામ લોકોનો સહયોગ મેળવી દિકરી તાલુકાકક્ષા, જિલ્લાકક્ષા અને રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર મેળવી નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચુકી છે.
અત્યાર સુધી અનેક મેડલ જીત્યા
મહારાષ્ટ્ર ખાતે યોજાયેલી વિઘ્ન દોડમાં તેણે સમગ્ર ભારતમાંથી આવેલા વિવિધ રમતવીરો વચ્ચે ચોથો નંબર પ્રાપ્ત કર્યો હતો. જેથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ખુશી જોવા મળી હતી. ભાખર ગામે રહેતી વિલાસ બા વાઘેલાને શાળાના શિક્ષકો દ્વારા ખેતરની શેરીમાં તેમજ પહાડી વિસ્તારમાં પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી. ત્યારે પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવા છતાં અત્યાર સુધી અનેક મેડલ આ દીકરી મેળવી ચુકી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ: યોગમાં ગોલ્ડ મેડલ વિજેતા જલ્પાની ગાડીમાંથી હથિયાર મળી આવ્યું
દીકરીએ ગુજરાત અને દેશમાં નામ ગુંજતું કર્યું
આ અંગે વિલાસ બા વાઘેલાના કોચ લાતીફખાને ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમારી શાળામાં છેલ્લા ઘણા સમયથી બાળકોને ભણતણની સાથો સાથ રમત-ગમત પણ રમાડવામાં આવે છે. ત્યારે વિલાસબામાં રહેલા હોનર જોઈ તેને વિઘ્ન દોડ અંગે યુટ્યુબના માધ્યમથી સમજણ પૂરી પાડવામાં આવી હતી અને જેના કારણે આજે અમારી શાળાની આ દીકરીએ ગુજરાત અને દેશમાં નામ ગુંજતું કર્યું છે.
આચાર્યએ વિલાસબાને એથ્લેટિક્સ રમતોનું માર્ગદર્શન આપ્યું
વિલાસબાને એથ્લેટિક્સનો બાળપણથી જ શોખ હતો, પરંતુ પરિવારની આર્થિક સ્થિતિને જોતા વિલાસબા પોતાની સુષુપ્ત શક્તિઓને બહાર લાવી શક્યા નહીં. જોકે, શાળામાં રમાયેલી રમતમાં વિલાસબા એ ભાગ લીધો અને શાળાના આચાર્ય લતીફ ખાને જોયું તો શાળાના બાળકોમાં શિક્ષણની સાથેસાથે રમતનું સ્તર ઊંચું હોવાનું લાગતાં આચાર્યએ શાળાના કેટલાક રમતવીરો પાછળ મહેનત કરવાનું શરુ કર્યું હતું. વિલાસબાની રમત પ્રત્યેની પ્રતિભાને જોઈ ઉત્સુક થયેલા આચાર્યએ વિલાસબાને ગામના નેળીયા સહિત પર્વતીય વિસ્તારમાં એથ્લેટિક્સ રમતોનું માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું અને આચાર્યના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલી વિલાસબા પહેલા તાલુકા કક્ષાએ તે બાદ જિલ્લા કક્ષાએ અને ત્યારબાદ રાજયકક્ષાએ પ્રથમ નંબર મેળવી મહારાષ્ટ્રમાં યોજાયેલી નેશનલ કક્ષાની એથ્લેટિક્સમાં ભાગ લીધો અને ત્યાં પણ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચોથો નંબર પ્રાપ્ત કર્યો હતો. જેના કારણે સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે અને હજુ પણ વિલાસબા આગામી સમયમાં ઈન્ટરનેશનલ રમતમાં પ્રથમ નંબર મેળવે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.
આ પણ વાંચોઃ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ વિજેતા ગનીમત સેખોએ કહ્યું, ફાઇનલ પહેલા ઘણા પ્રેશરમાં હતી
શિક્ષકોએ રમતગમત ક્ષેત્રે તૈયાર કરી અને આગળ સુધી રમવા મોકલી
આ અંગે વિલાસબા વાઘેલાના ભાઈએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારી બહેનને નાનપણથી જ રમતગમત ક્ષેત્રે બહુ લગાવ હતો, પરંતુ પરિવારની પરિસ્થિતિ સારી ન હોવાના કારણે મારી બહેન રમતમાં પોતાનું પર્ફોમન્સ બતાવી શકી ન હતી. જોકે, શિક્ષકો દ્વારા તેને રમતગમત ક્ષેત્રે તૈયાર કરી અને આગળ સુધી રમવા મોકલી હતી, જેથી તેણે અત્યાર સુધી અનેક મેડલ મેળવી અમારા સમાજનું તેમજ સમગ્ર દેશનું નામ રોશન કર્યું છે.
વિલાસબાએ અત્યાર સુધી વિવિધ રમતોમાં 2 ગોલ્ડ, 3 સિલ્વર મેડલ મેળવ્યાં
નેશનલ ગેમ્સમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારી વિલાસબા ઝુંપડાવાળા ઘરમાં રહે છે અને ત્યા આજદિન સુધી વિજ કનેક્શન પણ નથી આવ્યું. જોકે, અંધકાર ઝીલતી વિલાસબા એ પોતાનામાં રહેલી પ્રતિભાને ઉજાગર કરી તેના માતા પિતા સહીત ગ્રામજનોના દિલમાં ઉજાસ પ્રગટાવી દીધો છે. વિલાસબાને માર્ગદર્શન આપનારા શિક્ષકો તેમજ મદદ કરનારા ગ્રામજનો પણ વિલાસબાની પ્રતિભાને જોઈ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. હવે આગામી દિવસોમાં વિલાસબા ઇન્ટરનેશનલ લેવલે રમી દેશનું નામ ગુંજતું કરવાની ચાહના ધરાવી રહ્યા છે. વિલાસ બા વાઘેલા અત્યાર સુધી અનેક રમતોમાં ભાગ લીધો છે અને પોતાનામાં રહેલા હુન્નરને બતાવી વિવિધ રમતોમાં 2 ગોલ્ડ, 3 સીલ્વર મેડલ જીત્યા છે.
આ પણ વાંચોઃ મોરબીમાં પોલીસ એકેડેમીની દોડ સ્પર્ધામાં મહિલા પોલીસ વિજેતા બન્યા
નાનપણથી જ રમત પ્રત્યે લગાવ હતોઃ વિલાસબા વાઘેલા
આ અંગે વિલાસબા વાઘેલાએ ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મને નાનપણથી જ રમત પ્રત્યે લગાવ હતો. જેના કારણે મેં રમતની શરૂઆત 2017 થી શરૂ કરી હતી પરિવારની સ્થિતિ સારી ન હોવાથી અમારી શાળાના શિક્ષકો દ્વારા અવારનવાર મને રમતો વિશે જાણકારી આપવામાં આવતી હતી. જેના કારણે અત્યાર સુધી મેં અલગ-અલગ રમતોમાં અનેક મેડલો મેળવ્યા છે અને હજુ પણ મારી ઈચ્છા છે કે હું ઇન્ટરનેશનલ રમતો રમું અને સમગ્ર દેશનું નામ રોશન કરું.
જિલ્લામાં અનેક તારલાઓ ઉભરીને બહાર આવી રહ્યા છે
બનાસકાંઠા જિલ્લાને આમ તો વર્ષોથી અતિ પછાત જિલ્લો માનવામાં આવે છે, પરંતુ સમય અને ટેકનોલોજીનો યુગ આવતાની સાથે જ જિલ્લામાં અનેક તારલાઓ ઉભરીને બહાર આવી રહ્યા છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવે છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ દર વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વિવિધ રમતોમાં ભાગ લેતા હોય છે આજે પણ બનાસકાંઠા જિલ્લામાં એવા અનેક વિદ્યાર્થીઓ છે કે જેઓ ભણતરની સાથોસાથ રમતગમત ક્ષેત્રે દેશનું નામ રોશન કરી શકે તેમ છે, પરંતુ પરિવારની સ્થિતિ સારી ન હોવાના કારણે આવા રમતવીરો પોતાનામા રહેલું પર્ફોમન્સ બતાવી શકતા નથી.