બનાસકાંઠા: નેશનલ મિલ્ક ડેની ઉજવણીના ભાગરૂપે પુનાથી શરૂ થયેલી અમુલ ક્લીન ફ્યુલ બાયો સીએનજી કાર રેલી ગઈકાલે બનાસકાંઠાનાના દામા ખાતે પહોંચી હતી. બનાસકાંઠા જિલ્લાને પણ કાર્બન ન્યુટ્રલ બનાવવાના આયોજન અને સંદેશ સાથે નીકળેલા બાઈક સવારનું સ્વાગત કરી બનાસ ડેરી અને મારૂતી સુઝુકી કંપનીના પ્રતિનિધિઓએ નવા ચાર પ્લાન્ટ સ્થાપવા માટે 230 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું.
શ્વેત ક્રાંતિના જનકની જયંતી: સમગ્ર દેશમાં શ્વેત ક્રાંતિ સર્જનાર ડો. વર્ગીસ કુરિયરની આજે એટલે કે 26મી નવેમ્બરના રોજ જન્મજયંતી છે, જેની ઉજવણીના ભાગરૂપે અમુલ ક્લીન બાયો સીએનજી કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં સહકારી માળખાની જ્યાંથી શરૂઆત થઈ હતી તેવા મહારાષ્ટ્રના પુના ખાતેથી શરૂ થયેલી આ બાઈક રેલી 1500 કિલોમીટરનું અંતર કાપી ગઈકાલે ડીસા ખાતે પહોંચી હતી. જ્યાં ડીસાના દામા ખાતે આવેલ બાયોગેસ સીએનજી સ્ટેશન ખાતે બાઈક રેલીમાં જોડાયેલા 25 રાઈડર્સનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બનાસડેરીના એમડી સંગ્રામસિંહ ચૌધરી, બનાસ મેડિકલ કોલેજના એમડી પી.જે.ચૌધરી સહીત મારુતિ સુઝુકી કંપનીના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી બાયોગેસ પ્લાન્ટમાં સૌથી વધુ ગોબર બનાવનાર ત્રણ ખેડૂતો અને પ્રતિનિધિઓને સન્માનિત કર્યા હતાં.
ગામડાઓનો વિકાસ: બનાસ ડેરી દૂધ કલેક્શનના ક્ષેત્રમાં અભૂતપૂર્વક ક્રાંતિ હાંસલ કર્યા બાદ હવે ગાય આધારિત આર્થિક વ્યવસ્થા બને, ગામડાઓને ભાંગતા બચે , અને ઓર્ગેનિક ખેતી કરી બનાસકાંઠા સહિત દેશને હરિયાળો બનાવવા માટેના પથ પર આગળ વધી રહી છે. જેમાં પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને દૂધની સાથે સાથે ગોબરમાંથી પણ આવક મળે તે માટેનું આયોજન કરાયું છે. બનાસ ડેરીએ દેશમાં સૌપ્રથમ બનાસકાંઠાના ડીસા પાસે આવેલ દામા ગામ ખાતે ગોબર આધારિત સીએનજી પમ્પની શરૂઆત કરતા તેમાં સફળતા મળી હતી અને ત્યારબાદ હવે જાપાનીઝ કંપની મારુતિ સુઝુકી સાથે કરાર કર્યા છે. જેમાં સુઝુકી કંપનીએ બનાસ ડેરીના સહયોગથી જિલ્લામાં વધુ ચાર પ્લાન્ટ સ્થાપવા માટે 230 કરોડ રૂપિયાનુ રોકાણ કરવાની વાત કરી હતી.
ગોબરક્રાંતિ: બનાસડેરી શ્વેત ક્રાંતિ બાદ હવે ગોબર ક્રાંતિ તરફ આગળ વધી રહી છે, અને તેનો પશુપાલકોને ફાયદો પણ થઈ રહ્યો છે, ત્યારે ડેરીના આ પ્રયાસથી આગામી સમયમાં ક્લીન બાયોથી જિલ્લાવાસીઓને આર્થિકની સાથે-સાથે સ્વાસ્થ્ય પણ મજબૂત બનશે. આ બાબતે મીડિયા સાથેની વાતચીતમાં બનાસ ડેરીના એમ.ડી સંગ્રામભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનુ સપનું છે કે, ખેડૂતોને આવક બમણી કરવી છે. ત્યારે ગ્રામ આધારિત ગ્રામ વ્યવસ્થા અને અર્થ વ્યવસ્થા કરવી છે. ત્યારે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી એ સૌથી પહેલા શરૂઆત કરી અને અમે લગભગ 40 ગામોમાંથી ગોબર ભેગું કરીને 2 કિલોગ્રામ ગોબરના રો ગેસને રિડ્યૂસ કરીને વ્હિકલમાં નાખી રહ્યાં છીએ.
''અમે પહેલા થોડા પશુ રાખીને થોડું દૂધ ભરાવતા હતા, પરંતુ બનાસ ડેરીનો ખૂબ સાથ અને સહયોગ મળ્યો તેથી અમે હવે પશુઓ વધાર્યા છે અને ડેરીમાં દૂધ પણ ભરાવી રહ્યા છીએ. એમાં પણ બનાસ ડેરીએ આ ગેસનો પ્લાન્ટ બનાવ્યો તેથી પશુઓનું ગોબર પણ વેચાઈ જાય છે અને અમારા ઘરેથી ગોબરનું લઈ જાય છે. એક કિલો ગોબરના અમને એક રૂપિયો મળે છે'' - પ્રગતિશીલ ખેડૂત