- 15 હજાર પ્રાથમિક શાળાના શિક્ષકોને રસીકરણ કરવાનું અભિયાન
- શાળાઓ ખુલે તે પહેલાં શિક્ષકોને આપી દેવાશે કોરોના રસી
- 1100 શિક્ષકોએ લીધી કોરોના વેકસીન
બનાસકાંઠા: જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. માર્ચ મહિનામાં પ્રાથમિક શાળાઓ શરૂ થવાની છે ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકોને રસી આપવાની કામગીરી પૂર્ણ કરવા અભિયાન હાથ ધરાયું છે. જે હેઠળ પાલનપુર તાલુકાના 80 ટકા શિક્ષકોને રસી આપી દેવાઈ છે.
શિક્ષકોને રસીકરણ કરવાનું અભિયાન
રાજ્ય સરકારે માર્ચ મહિનાના પ્રથમ સપ્તાહથી પ્રાથમિક શાળાઓ શરૂ કરવાનું આયોજન કર્યું છે. ત્યારે બનાસકાંઠાના પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોને શાળા ખુલે તે પહેલાં કોરોના વેકસીનથી સુરક્ષિત કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.જેમાં જિલ્લા મથક પાલનપુર તાલુકાના 1383 શિક્ષકો માંથી 1100 એટલે કે 80 ટકા થી વધુ શિક્ષકોને કોરોનાની રસી આપી દેવાઈ છે. છેલ્લા એક અઠવાડીયાથી જિલ્લા પંચાયત હેઠળના કુલ 2382 શાળાના 15212 શિક્ષકોને કોરોના રસીકરણ અભિયાન શરૂ કરાયું છે.
દરેક તાલુકાના બીઆરસી ભવનમાં થઈ રહ્યું છે રસીકરણ
જે હેઠળ 7 હજાર શિક્ષકોને કોરોના રસી આપવામાં આવી ચૂકી છે. હજુ એક અઠવાડિયા સુધી રસીકરણ કૅમ્પ ચાલશે. જિલ્લાના દરેક તાલુકાના બીઆરસી ભવનમાં રસીકરણ થઈ રહ્યું છે.એકલા પાલનપુર તાલુકામાં પણ 80 ટકાથી વધુ શિક્ષકોને રસી અપાઈ ચુકી છે. જેમાં જિલ્લાના પ્રાથમિક શિક્ષણ અધિકારી અને બીઆરસીના શિક્ષકોએ પણ રસી લઈ લીધી છે. તેમણે આ રસીને સંપૂર્ણ સુરક્ષિત વેકસીન ગણાવી હતી.