- બનાસકાંઠા જિલ્લામાં રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ ઝડપાયુ
- રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડમાં આરોપીના રિમાન્ડ મંજુર કરાયા
- કાળાબજારી કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવા લોક માંગ
બનાસકાંઠા: કોરોના મહામારીના સમયમાં દર્દીઓની સારવાર માટે રેમડેસીવીર ઇન્જેક્શન અને ઓક્સિજનની ભારે અછત સર્જાઇ છે. જેના કારણે, કેટલાક લાલચી લોકો આવા સમયમાં પણ ઇન્જેક્શનનું કાળાબજારી કરી રહ્યા છે. જે બાબતે, બનાસકાંઠા જિલ્લા LCBની ટીમને ધ્યાને આવતા તેઓએ ખાનગી રાહે તપાસ હાથ ધરી હતી. અમદાવાદથી હર્ષ ઠક્કર નામનો યુવક ડીસામાં કેટલાક લોકોને ઇન્જેક્શન વેચવા માટે આવતો હોવાની માહિતી મળતા જ વોચ ગોઠવી હતી.
આ પણ વાંચો: ડીસામાંથી રેમડેસીવીર ઇન્જેક્શનનું કાળાબજાર કરતા 8 લોકો ઝડપાયા
ઇન્જેક્શન કાળાબજારી કરી 30000 રૂપિયામાં વેચાતુ હતુ
ડીસાના ભોયણ પાસે અમદાવાદથી આવેલા હર્ષ ઠક્કર અને તેના સાગરીતો ડીસાથી ઇન્જેક્શન ખરીદવા માટે આવેલા લોકો મળી કુલ 8 લોકોને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યા હતા. પોલીસે આ બાબતે પૂછતાં તેઓ જરૂરિયાતમંદ કોરોના સંક્રમિત દર્દીઓના સગાઓને ટાર્ગેટ કરી 900 રૂપિયામાં આવતું ઇન્જેક્શન કાળાબજારી કરી 30000 રૂપિયામાં વેચાતા હોવાનું જણાવ્યું હતું. પોલીસે ઝડપેલા શખ્સો પાસેથી રેમડેસીવીર ઇન્જેક્શન અને 2 કાર સહિત કુલ 6.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તેમજ, પોલીસે આ તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: મોરબી પોલીસે નકલી રેમડેસીવીર વેચતાં 6ની કરી ધરપકડ
ઇન્જેક્શન કાળાબજારી કરતા ચારેય શખ્સોના જામીન મંજુર
આ ઉપરાંત, ઇન્જેક્શન ખરીદવા આવેલા થરાદના ચાર શખ્સોને શનિવારે મોડી સાંજે ડીસા તાલુકા પોલીસે કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા ચારેય શખ્સોના જામીન મંજુર કરવામાં આવ્યાં હતાં. જ્યારે અમદાવાદ થી રેમડેસિવિર ઇન્જેક્શન વેચવા આવેલા શખ્સોના રીમાન્ડ માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.