બનાસકાંઠાના પાલનપુર તાલુકાના ગઢ ગામમાંથી એક સાથે ત્રણ યુવતીઓનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં મૂળ કાંકરેજ તાલુકાના કુંવારવા ગામના વતની અનુપજી ઠાકોર હાલ ગઢ ગામાના મનીષભાઈ ભુટકાના ખેતરમાં ભાગીયા તરીકે ખેતમજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. અનુપમજી ઠાકોરને સંતાનમાં છ દીકરા તેમજ છ દીકરીઓ છે.
અનુપજી ઠાકોર અને તેમની પત્ની ગત શુક્રવારે બપોરે 1 વાગ્યે ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે તેમની 19 વર્ષીય દીકરી જશી, સંગીતા અને 15 વર્ષીય કિશોરી સહિત ત્રણેય દીકરીઓ બાજુમાં આવેલ પાડોશીના વાડામાં કપડાં ધોવા ગઈ હતી. જે મોડી સાંજે પણ ઘરે પરત ન ફરતા પિતાએ જશીના મોબાઈલ પર ફોન કરતાં ફોન પણ સ્વીચ ઓફ આવ્યો હતો. જેથી તેમના પિતાએ ગઢ પોલીસ સ્ટેશનમાં તેમની ત્રણેય દિકરીઓનું કોઈ અજાણ્યાં શખ્સો દ્વારા અપહરણ કરી ગયા હોવાની ફરિયાદ નોંધાવી છે. જેથી પોલીસે આ મામલે અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.