પાલનપુરઃ ગુજરાત સરકાર દ્વારા બાલ સખા યોજના-3 અમલી બનાવવામાં આવી હતી. ન્યુ બોર્ન બેબી ડેથને અટકાવવા માટે અને તાજા જન્મેલા બાળકોને પોષણ મળી રહે તે માટે અમલી બનાવવામાં આવેલી આ યોજના અંતર્ગત ખાનગી હોસ્પિટલને બાળકની સારવાર માટે 49000 રૂપિયા જેટલા પ્રતિ બાળક દીઠ નક્કી કરવામાં આવ્યા હતા અને આ યોજના અંતર્ગત રાજ્યભરના બાળરોગ નિષ્ણાંતો સહિત બનાસકાંઠાના 25 જેટલા તબીબો બાળકોની સારવાર કરતા હતા, પરંતુ છેલ્લા નવ માસથી આ યોજના અંતર્ગત જે તબીબોએ બાળકોની સારવાર કરી છે. તેવા તબીબોને સરકાર દ્વારા કરવા પાત્ર નાણાંની ચુકવણી કરવામાં ન આવતા આખરે કંટાળેલા બનાસકાંઠાના 25 જેટલા બાળ રોગ નિષ્ણાંતોએ આ યોજના અંતર્ગત બાળકોની સારવાર કરવાની લેખિતમાં ના પડી દીધી છે.
બનાસકાંઠામાં તબીબોએ આ યોજના અંતર્ગત સારવાર કરવાની ના પાડી દેતા સરકારના પોષણ અભિયાનમાં મોટો વિક્ષેપ ઉભો થયો છે. એક તરફ સરકાર દ્વારા પોષણ અભિયાન 2020 ચલાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ બાળરોગના નિષ્ણાંતોએ સરકારની યોજના અંતર્ગત સારવાર કરવાની લેખિતમાં ના પાડી દીધી છે. આ અંગે અમે ગુજરાત પીડિયાટ્રિક એસોસિએશનના પ્રમુખનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા યોજનાના નાણાં સમયસર ચૂકવવામાં આવતા ના હોવાના લીધે બાળરોગ નિષ્ણાંતોએ બાલસખા યોજના અંતર્ગત સારવાર કરવાની ના પડી છે.
બનાસકાંઠાના 25 બાળ તબીબોએ એકાએક રાજીનામું આપી દેતા જિલ્લા આરોગ્ય અધિકારી મનીષ ફેન્સીએ તમામ ડોક્ટરોને નોટિસ ફટકારી છે. આ બાબતે આરોગ્ય અધિકારીનું કહેવું છે કે, તમામ ડોક્ટરોએ 31-12 2020 સુધી આ યોજનામાં કામ કરવા માટેના સરકાર સાથે MOU કર્યા છે, તેથી કોઈ પણ બાળકનું મોત થશે, તો તેની જવાબદારી જેતે ડોક્ટરોની રહશે. જો કે, બાળકોને સારવારમાં કોઈ તકલીફ ન પડે તે માટે અમે પાલનપુર, ડીસા અને થરાદમાં વધારાની સુવિધા ઉભી કરી છે.
એક તરફ સરકાર કુપોષિત બાળકોને પોષણયુક્ત બનાવવા માટે આટલા પગલાં ઉઠાવી રહી છે તો બીજી તરફ બાળરોગ નિષ્ણાંતોએ પણ સરકારને સહયોગ આપીને કુપોષિત બાળકોને સરકારની યોજનાનો લાભ મળી રહે તે માટે સારવારથી દૂર રહેવાના બદલે સારવાર આપવી જોઇએ કે જેનાથી એક કુપોષિત બાળકને પોષણયુક્ત બનાવી શકાય. તો બીજી તરફ સરકાર પણ જ્યારે આટલી મોટી યોજનાઓ જાહેર કરતી હોય તો આ યોજનાનું સંચાલન પણ યોગ્ય રીતે કરવામાં આવે તો જ યોજનાઓ સાચા અર્થમાં સાર્થક થઈ શકે.