બનાસકાંઠાઃ ડીસામાંથી મંગળવારે ફરી એકવાર શંકાસ્પદ ઘીનો જથ્થો પોલીસે ઝડપી પાડયો છે અને ફુડ વિભાગે આ શુદ્ધ ગાયના ધી શંકાસ્પદના સેમ્પલો લઈ વધુ તપાસ અર્થે લેબમાં મોકલી આપ્યા છે. હવે સેમ્પલનો રિપોર્ટ આવ્યા બાદ જ આ ઘી અસલી છે કે પછી લોકોના આરોગ્ય માટે હાનિકારક તે જોવું રહ્યું.
માત્ર બનાસકાંઠા જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને અડધા રાજસ્થાનમાં નકલી ચીજ-વસ્તુઓના વેચાણ માટેનું એપી સેન્ટર ગણાતા ડીસામાંથી છાસવારે નકલી ચીજ વસ્તુઓનો જથ્થો ઝડપાય છે. આ અંગે અગાઉ પણ અનેક જાગૃત લોકોએ, સંસ્થાઓએ અને નેતાઓએ તંત્રનું ધ્યાન દોર્યું હોવા છતાં પણ સરકારી બાબુઓ અહીં ખુલ્લેઆમ વેચાતા નકલી ચીજવસ્તુઓના કારોબારને સંપૂર્ણપણે ડામી શક્યા નથી. તેના કારણે જ ડીસામાંથી છાસવારે નકલી ચીજવસ્તુઓનો વેપલો ઝડપાયા કરે છે.
મંગળવારે પણ ડીસા શહેર ઉત્તર પોલીસને બાતમી મળતા જ તેમણે ડીસા શહેરમાંથી ધીનો જથ્થો ભરીને જઈ રહેલી છકડો રીક્ષાની તલાસી લેતા તેમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો હતો. ગાયનું શુદ્ધ ઘી નામના લેબલવાળા 25 કાર્ટુન ભરેલી રીક્ષા ડીસાથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. તે દરમિયાન પોલીસે આ શંકાસ્પદ ઘીના જથ્થા ભરેલી રીક્ષા ઝડપી પાડી પોલીસ મથકે લાવ્યા હતા અને આ અંગે જાણ કરતાં જ પાલનપુર ફુડ વિભાગની ટીમ પણ ડીસા ઉત્તર પોલીસ મથકે દોડી આવી હતી અને ધીના સેમ્પલ લઇ વધુ તપાસ અર્થે લેબમાં મોકલી આપ્યા છે, ત્યારે સેમ્પલ આવ્યા બાદ જ ઘી સ્વસ્થ માટે કેટલું ફાયદાકારક છે કે હાનિકારક તેનો ખ્યાલ આવશે.
પોલીસ દ્વારા ઝડપાયેલા ઘી બાબતે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરાય તો નકલી ઘીનું મોટું નેટવર્ક બહાર આવી શકે તેમ છે. આ અગાઉ પણ LCB પોલીસે ઝડપાયેલું ઘી ડીસામાંથી જતું હોવાનું બહાર આવ્યું છે. જેથી કહી શકાય કે, ડીસામાં નકલી ઘીની ફેકટરીઓ હોવાની પૂરેપૂરી શક્યતાઓ છે.