ગાંધીનગર: રાજ્યમાં ખાદ્ય ચીજ વસ્તુઓમાં મિક્સ કરીને વધુ નફો મેળવવા માટે અનેક વેપારીઓ કલર અને અન્ય પદાર્થોને મિશ્રણ કરીને લોકોના આરોગ્ય સાથેના છેડા કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આ બાબતને ધ્યાને લઈને સમયાંતરે ડ્રાઇવ યોજવામાં આવે છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં GIDC ખાતેથી અંદાજે 6 લાખ રૂપિયાનો ભેળસેળયુકત મરચાનો આશરે 2100 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.
'તાજેતરમાં પાલનપુરની સ્થાનિક ફૂડ ટીમને બનાસકાંઠા GIDC પાસે પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મરચાં પાવડરનું ઉત્પાદન થતું જોવા મળી આવ્યું હતું. આ વેપારી નિલેશભાઇ ગોપાલદાસ મોદી કે જે મોઢેશ્વરી ફુડ પ્રોડકટસ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને મસાલાનો વેપાર કરે છે. આ વેપારી મરચામાં કલરની ભેળસેળ કરે છે. તેવી તંત્રને મળેલ બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી.' - એચ.જી. કોશિયા, ફૂડ & ડ્રગ્સ કમિશનર
'તંત્ર દ્વારા પૂરી પાડવામાં આવેલ ટેસ્ટિંગ કીટની મદદથી સ્થળ ઉપર ચકાસણી કરતા મરચામાં કલરનું ભેળસેળ હોવાનું જણાયું હતું. આ દેશી લુઝ મરચા પાઉડરનો નમૂનો લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યો છે, જ્યારે બાકીનો અંદાજીત કિંમત 6 લાખની કિંમતનો આશરે 2100 કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.' - એચ.જી. કોશિયા, ફૂડ & ડ્રગ્સ કમિશનર
કાયદેસરની કાર્યવાહી કરાશે: કોશિયાએ વધુમાં જણાવ્યું હતું કે આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ ડીસા ખાતે તપાસ દરમિાન શ્રી હરેક્રિષ્ના ઇન્ડસ્ટ્રીઝમાંથી 46,440 કિંમતનો 260 કિ.ગ્રામ જથ્થો તેમજ જય ગોગા ગૃહ ઉદ્યોગમાંથી પણ 11,200 કિંમતનો 30 કિ.ગ્રામ જથ્થો સિઝ કરાયો છે. આ નમૂનામાં ઘઉંના લોટ અને કલરની ભેળસેળ જોવા મળી છે. જેની સામે ફોજદારી કોર્ટમાં કેસ દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.