પાલનપુરઃ બનાસકાંઠાના અમીરગઢમાં પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ અધિકારીની ઓચિંતી મુલાકાતમાં અનેક આચાર્યની ગેરરીતિ સામે આવી છે અને એક સાથે 14 આચાર્ય-શિક્ષકને કારણદર્શક નોટિસ ફટકારતા અન્ય આચાર્ય શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ અધિકારી સહિતની ટીમે ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં શકરાવેરી, પાલડી, વેરા, બાલુન્દ્રા અને ધનપુરા સહિત 14 જેટલી પ્રાથમિક શાળાઓમાં ક્ષતિઓ અને અનિયમિતતા જોવા મળી હતી. આ તપાસમાં મોટાભાગની શાળામાં સ્વચ્છતાની ખામી મળી, શિક્ષકોની ગેરહાજરી જોવા મળતાં બેદરકારી છતી થઇ છે. આથી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમારે 14 શિક્ષકો અને આચાર્યને નોટિસ ફટકારી છે, આ સિવાય છાપી અને ડીસામાં પણ ચાર શાળાઓના શિક્ષકો સામે પણ શાળાઓમાં ક્ષતિઓ જણાતા તેમને પણ નોટિસ ફટકારવામાં આવી છે.
કોરોના મહામારીમાં પણ ગુલ્લિબાજ શિક્ષકો તેમની હરકતોથી બાજના આવતા જિલ્લા શિક્ષણ અધિકારીએ કડક કાર્યવાહી કરતા શિક્ષણ જગતમાં ખળભળાટ ફેલાયો છે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, શિક્ષકોની બેદરકારી અને અનિયમિત મામલે નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે અને જો શિક્ષકો કસૂરવાર ઠરશે તો તેઓની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરાશે.