બનાસકાંઠાઃ જિલ્લામાં હજુ પણ કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા અટકવાનું નામ જ લેતી નથી. જિલ્લામાં જે રીતે કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે તે ખૂબ જ ચિંતાજનક છે. બનાસકાંઠા જિલ્લામાં શનિવારના વધુ 12 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, તેમા 5 ડીસા તાલુકાનાં, પાલનપુરના 4, ધાનેરા 2, થરાદ 1 આમ, જિલ્લામાં 12 પોઝિટિવ કેસો સામે આવતા જિલ્લામાં પોઝિટિવ કેસોની સંખ્યા 393 સુધી પહોંચી ગઈ છે.
ડીસામાં કુલ પોઝિટિવ લોકોનો આંક 100થી વધુ પહોચી ગયો છે. જે રીતે કોરોનાનું સંક્રમણ બનાસકાંઠા જિલ્લામાં વધી રહ્યું છે, તેને લઈ જિલ્લાના અધિક આરોગ્ય અધિકારી જણાવી રહ્યા છે કે જે રીતે અત્યારે લોકો માસ્ક વગર બહાર નીકળીને સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે. તેને લઈ કોરોના વાઇરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે જો લોકો કોરોના વાઇરસને લઈ ગંભીર નહીં બને આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાઇરસનો વિસ્ફોટ થઈ શકે તેમ છે.
બનાસકાંઠા જિલ્લામાં હવે કોરોના કાબૂ બહાર નીકળતો નજરે પડી રહ્યો છે અને જે રીતે જિલ્લામાં લોકડાઉન બાદ પરિસ્થિતી જોવા મળી રહી છે તે જોતાં આગામી સમયમાં જિલ્લાનું પ્રશાસન જિલ્લા વાસીઓને આપેલી છૂટછાટ પછી ખેંચી લે તો નવાઈ નહીં. ત્યારે જિલ્લાની જનતાએ પણ હવે આ સંભવિત ખતરાને લઈ સરકારની ગાઈડલાઇનનું પાલન કરવું ખૂબ જરૂરી બની ગયું છે.