બનાસકાંઠા: જિલ્લામાં અને રાજસ્થાનમાં પડેલા ભારે વરસાદના કારણે અનેક ગામોમાં હાલ પૂર જેવી સ્થિતિ સર્જાય છે. રાજસ્થાનના રેવદર વિસ્તારના ખેતરોમાંથી આવતા પાણીના કારણે બનાસકાંઠાના 20થી વધુ ગામોને નુકસાન થાય છે, ત્યારે ડીસાના નાગફણા સહિત આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળતા લાખણી તાલુકાના નાણી ગામના 100 પરિવારો હાલ પોતાનું ઘર છોડી સ્થળાંતર કર્યું છે.
2015 અને 2017માં આવેલા પૂરમાં નાણી ગામના આ 100 પરિવારોના ઘરોમાં પાણી ફરી વળતા મોટું નુકસાન થયું હતું. જેથી આ વખતે બનાસકાંઠામાં ગત 5 દિવસ એકધારો વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે વરસાદથી ભયભીત આ 100 અસરગ્રસ્ત પરિવારોએ પોતાનું ઘર છોડી ઊંચાણ વાળા વિસ્તારમાં સ્થળાંતર કર્યું છે.
હાલ પ્લાસ્ટિકના ઝૂંપડા બનાવી પરિવાર સાથે રહેતા આ પરિવારોને ગુજરાન ચલાવવાના ફાંફા થઈ ગયા છે. જેથી આ પરિવારોએ સહાયની માગ કરી રહ્યા હતા. આ પરિવારના લોકોએ જણાવ્યું હતું કે, વર્ષો પહેલા એરફોર્સમાં જમીન ગયા બાદ જમીન મળી નથી અને રાહતના પ્લોટ પણ નીચાણવાળા વિસ્તારમાં આવેલા હોવાથી, ત્યાં 2015 અને 17માં પાણી ફરી વળ્યું હતું.
નાણી ગામમાં અગાઉ પૂર આવતા અને અનેક લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યું હતું. જેમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું હતું, ત્યારે આ પરિવારો ફરી પૂરનો ભોગ ન બનવા માટે સ્થળાંતર કરીને ઉંચાણવાળા વિસ્તારમાં ઝૂંપડા બનાવી રહ્યા છે. જેથી અસરગ્રસ્ત પરિવારો સરકાર પાસે મદદની માગ કરી રહ્યાં છે.