- શામળાજી મંદિરની વાવમાં પડી જવાથી મહિલાનું મોત
- મહિલા ફોટો પડાવતી વખતે લપસીને નીચે પડ્યાં
- વાવ ચારે બાજુથી ખુલ્લી હોવાને પગલે અકસ્માત બન્યો
શામળાજીઃ અરવલ્લી જિલ્લાના શામળાજી મંદિર પરિસરમાં બનેલ એક અકસ્માતની ઘટનામાં કમનસીબે મહિલાનું મોત નિપજ્યુ હતું. મૃતક મહિલા ભરૂચના ૪૫ વર્ષીય શિલ્પાબેન દક્ષેશભાઈ રાંદેરિયા પરિવાર સાથે દર્શને આવ્યાં હતાં. 45 વર્ષીય મહિલાના મોતથી દર્શને આવેલા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે . મંદિર પરિસરમાં આવેલી વાવ ચારે બાજુથી ખુલ્લી હોવાને પગલે અકસ્માત બન્યો છે તેવું માનવામાં આવી રહ્યું છે. ઘટનાની જાણ થતા શામળાજી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી.
માથામાં ગંભીર ઈજાથી મોત
ઉલ્લેખનીય છે કે, લાંબા સમય રહેલ લોકડાઉનની સમાપ્તિને લઇને લાંબા સમય બાદ જાહેર સ્થળો ખુલી રહ્યાં છે. ત્યારે ઉત્તર ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરે પણ કાળીયા ઠાકરના દર્શને ભક્તો આવી રહ્યાં છે. ઐતિહાસક એવા શામળાજી મંદિર પરિસરમાં વાવ પણ આવેલી છે. આ જગ્યા પર કઠેડો કરવામાં આવેલો નથી જેને લઇને જો સાવધાની રાખવામાં ન આવે તો આવી દુર્ઘટના બની શકેે છે. વીડિયોમાં જણાય છે કે મહિલા ત્યાં પરિવાર સાથે દર્શને આવ્યાં હોઇ ફોટો પડાવી રહ્યાં હતાં. તેવામાં સંતુલન ગુમાવતાં તેમનો પગ લપસ્યો હતો અને તેઓ નીચે પછડાયાં હતાં. જ્યાં વાવના પથ્થરના બાંધકામમાં માથું અથડાતાં માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જેને પગલે તેઓનું મોત નીપજ્યું હતું.