અરવલ્લીઃ સાબરકાંઠામાંથી વિભાજન થઇ અરવલ્લી જિલ્લો 7 વર્ષ પહેલા અસ્તિત્વમાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલની સતત માંગને કારણે દોઢ વર્ષ પહેલા કલેક્ટરે આ કામ માટે 20 એકર જમીન ફાળવી હતી. જો કે, આ યોજના હવે અધ્ધરતાલે હોય તેમ લાગી રહ્યુ છે.
સિવિલ હોસ્પિટલની કામગીરી અપડેટ
- દોઢ વર્ષ પહેલા 20 એકર જમીન ફાળવી
- 45 કરોડની મંજૂરી
- 5 કરોડ ફાળવ્યા
- કામગીરી શરૂ ન થઈ
- કોંગ્રેસે પ્રતીક ઉપવાસની ચીમકી ઉચ્ચારી
કોરોના વાઇરસના સમયએ જિલ્લાના લોકો અને ખાસ કરીને ગરીબી પ્રજા સિવિલ હોસ્પિટલ વિના હાલકી ભોગવી રહી છે. જેથી હવે સિવિલ હોસ્પિટલની માંગ પ્રબળ બની છે. આ અંગે જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદન પત્ર આપી સિવિલ હોસ્પિટલ સંદર્ભે નક્કર કાર્યવાહી કરવામાં તેવી માંગ કરી હતી.
દોઢ વર્ષ પહેલા જ્યારે જિલ્લા કલેકટરે અરવલ્લી જિલ્લાના મથક મોડાસા નગરમાં 150 પથારી વાળી સિવિલ હોસ્પિટલ માટે બનશે તેવી જાહેરાત કરી હતી. ત્યારે પ્રજાજનોમાં આનંદ છવાઈ ગયો હતો. આ કામ અર્થે 45 કરોડ રૂપિયા સરકારે મંજૂર કર્યા હતા. જેમાંથી 5 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દેવામાં આવી છે.
જિલ્લા કલેક્ટરે બાજકોટ ગામની સીમમાં 20 એકર જમીન ફાળવી સિવિલ સર્જનને કબ્જો સોંપી દોઢ વર્ષમાં સિવિલ હોસ્પિટલ કાર્યરત કરી દેવાના દાવા કર્યા હતા. જો કે, હોસ્પિટલ હજૂ સરકારી કાગળો પર જ અસ્તિત્વમાં છે. એના પર પણ ધુળ ચડી ગઇ હોય તેમ લાગે છે.
આ અંગે અરવલ્લી જિલ્લા કોંગ્રેસના ધારાસભ્ય અને જિલ્લા પ્રમુખે કલેક્ટરને મળી રજૂઆત કરી હતી, તેમજ 10 દિવસમાં સિવિલ હોસ્પિટલના નિર્માણ અંગે સંતોષકારક જવાબ નહીં મળે તો પ્રતીક ઉપવાસ કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે.