- ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા
- ખેડુતોને અગમચેતી પગલાં લેવા માટે ખેતીવાડી વિભાગે તાકીદ કરી
- સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી
અરવલ્લી : હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આગામી તા.2 થી 4 જાન્યુઆરી દરમ્યાન ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતમાં પણ વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતા છે. જે ધ્યાને લઇ ખેડૂતોએ કાળજી રાખવી જરૂરી છે. જે અંગે જિલ્લા ખેતીવાડી અધિકારીએ વધુ માહિતી આપી હતી.
જણસીને સુરક્ષિત જગ્યાએ ખસેડવાની ખેતીવાડી વિભાગની સલાહ
અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે આગામી તા.2 થી 4 જાન્યુઆરી દરમ્યાન ઉત્તર ગુજરાતમાં વાતાવરણ પલ્ટાની આશંકા છે. જેને લઇ અરવલ્લી જિલ્લાના ખેડુતોને અગમચેતી પગલાં લેવા માટે ખેતીવાડી વિભાગે તાકીદ કરી છે. જેમાં બીટી કપાસ અને દિવેલામાં પાક તૈયાર થયેલ હોય તૈયાર કપાસની માળને વીણી સલામત જગ્યાએ ગોડાઉનમાં રાખવી અથવા તાડપત્રીથી ઢાંકીને રાખવો. વેચાણ અર્થે એપીએમસી અથવા વેચાણ અર્થે અન્ય સ્થળોએ લઇ જવાતી ખેત જણસીઓ ઢાંકીને લઇ જવી અથવા હવામાન ખાતાની આગાહી હોય તેવા સમયે વેચાણ શક્ય હોય તો ટાળવાની સલાહ આપવામાં આવી છે.
વાવાઝોડું આવે તે પરિસ્થિતિમાં તકેદારી
આ ઉપરાંત પશુઓ માટેના ઢાળીયા કે, કાચા શેડ વ્યવસ્થિત રાખવા અને પવનમાં ઊડે નહીં તે જોવું. શક્ય હોય તો બાગાયતી પાકોમાં પણ કાળજી લેવી જેમ કે, શાકભાજી વગેરે તૈયાર હોય તો તુરંત ઉતારી લેવું. ખેતી ઇનપુટ એટલે કે, બિયારણ ખાતર વગેરેનો જથ્થો પણ સલામત સ્થળે સુરક્ષિત ગોડાઉનમાં પલળે નહીં તે મુજબ રાખવો. ખેતરમાં કે ઘરની આજુબાજુ મોટા ઝાડ હોય તો તેની છંટણી અવશ્ય કરવી. જેથી જોખમ ટાળી શકાય. ઉભા પાકમાં હાલ તુરંત નાઈટ્રોજનયુક્ત ખાતર એટલે કે યુરિયા આપવાનું શક્ય હોય તો ટાળવું. વરસાદ કે, પવનની આગાહીને ધ્યાને લઇ મોબાઇલ ફોન ટોર્ચ વગેરે ચાર્જ કરીને રાખવું અને સુરક્ષા માટે કે સલામતી માટેની તમામ વ્યવસ્થા રાખવી.