- અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદથી ખેડૂતોની મગફળી પલળી
- ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોની મગફળી પલળી જતાં નુકશાન થયું
- ધરતીના તાતને નુકસાન સહન કરવાનો વારો આવ્યો
અરવલ્લી: જિલ્લામાં વહેલી સવારે કમોસમી વરસાદ થયો હતો. જિલ્લાના મોટાભાગનો વિસ્તાર કમોસમી વરસાદનો સાક્ષી બન્યો હતો. ત્યારે ટેકાના ભાવે મગફળી વેચવા આવેલા ખેડૂતોની પરેશાનીમાં વધારો થયો છે. વરસાદ થવાથી છેલ્લા બે દિવસથી પોતાના વારાની રાહ જોઈને ઉભા રહેલા ખેડૂતોની મગફળી પલળી ગઈ છે.
મોડાસા સિવાય જિલ્લાની અન્ય APMCમાં મગફળી સંગ્રહની વ્યવસ્થાનો અભાવ
મોડાસા સિવાય જિલ્લાના અન્ય APMCમાં મગફળી સંગ્રહ કરવાની પુરતી વ્યવસ્થાનો અભાવ છે. બીજી બાજુ ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે કે, તંત્ર દ્વારા વરસાદની આગાહીની કોઈ જાણ કરવામાં નથી આવી.
અરવલ્લીમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ
હાલની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને મગફળીને નુકસાન ન પહોંચે તે હેતુથી તંત્ર દ્વારા અરવલ્લીમાં મગફળીની ખરીદી બંધ કરી દેવામાં આવી છે. જેના પગલે મોડાસામાં મગફળી વેંચવા પહોંચેલા ખેડૂતો પરત ફર્યા હતા. જિલ્લામાં આ વખતે 75 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે અને 20 હજાર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે નોંધણી કરાવી હતી. જેના માટે રોજ 25 ખેડૂતોને મેસેજ દ્વારા જાણ કરવામાં આવે છે. છેલ્લા દોઢ માસથી મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. અરવલ્લીમાં ચાલુ વર્ષે 75 હજાર હેકટરમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે.