- અરવલ્લીમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યામાં વધારો થયો
- દર્દીઓમાં વધારો થતા વધુ બે કોવિડ સેન્ટર ઉભા કરાયા
- સ્થિતિ વધુ વણસે તો તે માટે વધુ બેડ તૈનાત કરવા વહીવટી તંત્ર સજ્જ બન્યું
અરવલ્લી: જિલ્લામાં કોરોના કેસમાં વધારો થતા વહિવટી તંત્ર દ્રારા કાર્યરત કોવિડ હોસ્પિટલમાં બેડની સંખ્યા વધારી અન્ય બે નવા કોવિડ સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોડાસા કોવિડ હોસ્પિટલમાં સાર્વજનિક હોસ્પિટલ ટ્રસ્ટ સાથે 50 બેડના MOU કરાયા હતા.
આ પણ વાંચો : રાજકોટમાં કોરોનાનો કહેર, મોટાભાગની બજારો આજે શનિવારે સ્વૈચ્છિક બંધ
તમામ બેડ ફૂલ થઇ જતા કોરોનાગ્રસ્ત દર્દીઓની હાલત કફોડી બની હતી
જિલ્લામાં સંક્રમણ વધતા વધુ 30 બેડ સાર્વજનિક હોસ્પિટલમાં ઉભા કરાયા બાદ તે તમામ બેડ ફૂલ થઇ જતા કોરોનાગ્રસ્ત દર્દીઓની હાલત કફોડી બની હતી. આ સંજોગોમાં સરકારી કે ટ્રસ્ટની હોસ્પિટલ સાથે MOU કરી કોવિડ- 19 સારવાર કેન્દ્ર ઉભા કરવામાં આવે તેવી લોકમાગ પ્રબળ બની હતી. આ અંગે વહીવટી તંત્રએ આખરે વાત્રક ટ્રસ્ટની હોસ્પિટલ અને મેઢાસણ સામુહિક આરોગ્યકેન્દ્રમાં કોવિડ- 19 સેન્ટર શરુ કર્યા છે. બન્ને કોવિડ- 19 સેન્ટર શુક્રવારથી કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે સારવાર માટે ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય જાહેર કર્યો છે અને જિલ્લામાં સ્થિતિ વધુ વણસે તો તે માટે વધુ બેડ તૈનાત કરવા વહીવટી તંત્ર સજ્જ બન્યું હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
આ પણ વાંચો : કોરોના સંક્રમણ વધતા બારડોલી અને માંડવીમાં કોવિડ કેર સેન્ટર પુનઃ કાર્યરત
અરવલ્લી જિલ્લામાં 100થી વધુ એક્ટીવ કોરોના કેસ
અરવલ્લી જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી કોરોના કેસના કુલ આંકડા આપવાનુ અરોગ્ય વિભાગ દ્રારા બંધ કરી દેવામાં આવ્યુ છે. તેમ છતાં બિન સત્તાવાર રીતે મળતી માહિતી મુજબ અરવલ્લી જિલ્લામાં કુલ 100થી વધુ એક્ટીવ કેસ છે. જ્યારે કોરોના કાળ દરમિયાનના કુલ કેસનો આંકડો 1400ની આસપાસ પહોંચ્યો છે.