અરવલ્લીઃ જિલ્લાના મોડાસા નગરમાં ઘાંચી આરોગ્ય મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલની સેવાઓ આરોગ્ય વિભાગના ઉતાવળિયા નિર્ણયના કારણે તાત્કાલિક અસરથી સ્થગિત કરી દેવામાં આવી છે. હોસ્પિટલમાં ચાલતા ડાયાલીસીસ સેન્ટરનો સ્ટોર કીપર પ્રીત સથવારા એક માસની રજા પર હતો. ત્યારબાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી આરોગ્ય વિભાગે ડાયાલીસીસ સેન્ટર સહિત હોસ્પિટલના તમામ સ્ટાફને ક્વોરેન્ટાઈન કરી દીધો છે અને હોસ્પિટલ બંધ કરી દેવામાં આવી છે. જેથી હોસ્પિટલ સંચાલિત ડાયાલીસીસ સેન્ટર પણ બંધ થતા 23 દર્દીઓને ડાયાલીસીસ કરવા માટે હિંમતનગર જવું પડે છે .
આરોગ્ય મંડળ સંચાલિત ડાયાલીસીસ સેન્ટર ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે. આ સેન્ટર પર કિડનીના દર્દીઓ ડાયાલીસીસ કરવા માટે દૂર-દૂરથી આવે છે. અહીંયા નિયમિત 23 દર્દીઓ અઠવાડિયામાં 3 વખત મુખ્યમંત્રી અમૃતમ યોજના હેઠળ ડાયાલીસીસ કરાવવા આવે છે. જેતી આ સેન્ટર બંધ થતા આ તમામ 12 દર્દીઓ રઝળી પડ્યા છે.
હોસ્પિટલના સંચાલક અમે મોડાસાના સામાજિક અગ્રણી બાબુભાઈ ટાઢાએ તંત્રનો સંપર્ક કર્યો હતો. બાબુભાઈએ મોડાસામાં આવેલા અન્ય 4 હોસ્પિટલનો સંપર્ક કરી આ દર્દીઓને સારવાર આપવા માટે વિનંતી કરી હતી, પરંતુ ચારેય સંસ્થાઓએ આ દર્દીઓને સેવા આપવાનો સ્પષ્ટ નનૈયો ભણ્યો હતો.
જો કે, હોસ્પિટલના સંચાલકે આ દર્દીઓને પોતાના પરિવાર ગણી તેમને હિંમતનગર હોસ્પિટલમાં લઇ જવાની વ્યવસ્થા કરી આપી છે. જેથી આ દર્દીઓ આરોગ્ય મંડળ સંચાલિત હોસ્પિટલમાંથી હિંમતનગર સુધી એમ્બ્યુલન્સમાં જાય છે. જેનું ભાડું પણ સંચાલક દ્વારા ચૂકવવામાં આવે છે.