ધનસુરા: શહેરના જવાહર બજારમાં આવેલી એક ઇલેક્ટ્રોનિકસની દુકાનમાં ચોરી થતા વેપારીઓ પોલીસની નબળી કામગીરીથી રોષે ભરાયા હતા. ધનસુરા ચાર રસ્તા પર વેપારીઓએ રોડ પર બેસી પોલીસતંત્રની નિષ્ફળ કામગીરી સામે વિરોધ નોંધાવી ચક્કાજામ કર્યો હતો. જેથી સતત વાહનોથી ધમધમતા મોડાસા-અમદાવાદ અને મોડાસા-કપડવંજ હાઈવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.
ધનસુરા પોલીસે હૈયાધારણા આપી ચક્કાજામ દૂર કરી ટ્રાફિક પૂર્વરત કરાવ્યો હતો. ધનસુરા પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમીક તપાસ હાથ ધરી હતી. ધનસુરા ગામમાં તસ્કરો દુકાન, શોરૂમ અને રહેણાંક વિસ્તારમાં છાસવારે ચોરી-લૂંટની ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે, જેથી વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.