અરવલ્લી : જિલ્લામાં છેલ્લા એક માસમાં ત્રીજી વાર સાપ કરડવાથી કોઈ વ્યક્તિનું મોત નિપજ્યાનો બનાવ બન્યો છે. સોમવારે વહેલી સવારે મેઘરજની રાજસ્થાન સરહદે આવેલ પંચાલ ગામે 14 વર્ષીય કિશોરીને સાપ કરડ્યો હતો. જોકે આ કિશોરીને જરુરી સારવાર ન મળતા તેનું મોત નીપજ્યું હતું. મહત્વ વાત એ છે કે, આ કિશોરીને ત્વરીત સારવાર આપવાના બદલે પરિવારજનો પહેલા ભૂવા પાસે લઇ ગયા હતા. ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. ત્યાં સુધીમાં કિશોરીના પ્રાણ પંખેરૂ ઉડી ગયા હતા.
કિશોરીને સર્પદંશ : સુત્રોમાંથી મળતી સત્તાવાર માહિતી અનુસાર અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગણેશ ખાંટના મુવાડા ગામની મહીલાને સાપ કરડ્યો હતો. સાપ કરડતા મહિલાને ભુવા પાસે લઈ ગયા હતા. પરંતુ તેનું મોત નીપજ્યું હોવાની ઘટના હજુ તાજી છે. ત્યાં ફરી સોમવારે મેઘરજની રાજસ્થાન સરહદે આવેલા પંચાલ ગામે 14 વર્ષીય દીકરી સોનલ બેન તાબિયાળને સાપ કરડ્યો હતો. આથી તેને ભુવા પાસે લઈ ગયા હતા. પરંતુ સમયસર જરુરી સારવાર ન મળતા શરીરમાં ઝેરની અસર વ્યાપી ગઈ હતી. બાદમાં કિશોરીનું કરુણ મોત નિપજતા ભારે ચકચાર મચી છે.
ભુવાના ચક્કરમાં જીવ ગયો : મૃતક સવારે પોતાના ઘર આગળ ઘાસ કાપવાનું કામ કરતી હતી. તે દરમિયાન એક ઝેરી સાપે તેને હાથની હથેળીમાં ડંખ માર્યો હતો. જેથી સોનલ તાબિયાડ ચીસ પાડી ઢળી પડી હતી. સોનલની ચીસ સાંભળતા આસપાસથી પરિવારજનો દોડી આવ્યા હતા. જોકે, ઇજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાના બદલે સાપનું ઝેર ઉતારવા માટે ભુવાજી પાસે લઈ જવામાં આવી હતી. જ્યાં બાળકીને સારું ન થતા મેઘરજ જલારામ હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.
અંધશ્રદ્ધાની ઘટના : જોકે, કિશોરીને જરુરી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા મોડું થઈ ગયું હતું. હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. આ અગાઉ માલપુર તાલુકાના ગણેશખાંટના મુવાડા ગામની મહિલાને અને મેઘરજ તાલુકાના લખીપુર ગામની મહિલાને પણ સાપ કરડ્યાનો બનાવ બન્યો હતો. તેમને ભુવા પાસે લઇ ગયા બાદ મહિલાને ઝેરની અસર વ્યાપી જતા મોત નીપજ્યું હતું.
જાગૃકતા કાર્યક્રમ : ગામડાઓમાં આવી અંધશ્રદ્ધાની ઘટના ન બને તે માટે આરોગ્ય વિભાગ તેમજ સ્વૈચ્છીક સંસ્થાઓ જાગૃતા ફેલાવવા માટે કાર્યક્રમો કરે છે. પરંતુ આજે પણ લોકો ભુવા અને દોરા ધાગાના ચક્કરમાં યોગ્ય સારવાર લેતા નથી. જેના કારણે આખરે તેઓ મોતના મુખમાં ધકેલાય છે.