ભિલોડા: અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના બોલુન્દ્રા ગામે રહેતા દિનેશે તેના 58 વર્ષિય પિતા ધુળાભાઈ નાથાભાઈ તરારનું ઘાતક હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધુ હતું. મૃતક ધુળાભાઈ દારૂ પીને તેમની પત્ની લીલાબેન સાથે અવારનવાર મારપીટ કરતા હતા. પોતાની માતા ઉપર થતો અત્યાચાર પુત્ર દિનેશથી સહન ન થતા બુધવારે રાત્રે ધુળાભાઈને ઘાતક હથિયારના ઘા મારીને પોતાના પિતાને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
હત્યાના પગલે આજુબાજુથી લોકો દોડી આવતા, હત્યારો પુત્ર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ભિલોડા પોલીસે તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમાર્ટ માટે હોસ્પિટલમાં ખસેડયો હતો. પોલીસે સમગ્ર ઘટનાની માહીતી મેળવી વધુ તપાસ શરૂ કરી છે. ભિલોડા પોલીસે આરોપી દિનેશ વિરુદ્ધ IPCની કલમ-302 તથા જીપીએકટ-135 મુજબ ગુન્હો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.