- રાજકોટમાં નેશનલ ગેમ્સનું આયોજન કરાયું હતું
- તીરંદાજીના તમામ સ્પર્ધકોમાંથી વર્ગીસ ભગોરાએ અદ્ભુત દેખાવ કર્યો
- ગોલ્ડ મેડલ મેળવી અરવલ્લી તેમજ ગુજરાતનું ગૌરવ વધાર્યુ
અરવલ્લીઃ મેઘરજનગરના 42 વર્ષીય વર્ગીસ ભગોરા વ્યવસાયે શિક્ષક છે, પરંતુ કલમની સાથે તીરંદાજીમાં પણ કુશળ છે. તાજેતરમાં રાજકોટમાં નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કબ્બડી, ખો-ખો, ફુટબોલ, જુડો, બોક્સિંગ, હોકી અને તીરંદાજી સહિતની રમાતોની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં તીરંદાજીની રમતમાં અલગ અલગ રાજ્યોના અંદાજે 40 કરતા પણ વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. તીરંદાજીના તમામ સ્પર્ધકોમાંથી વર્ગીસ ભગોરાએ અદ્ભુત દેખાવ કર્યો હતો. તેમને ગોલ્ડ મેડલ મેળવી નેશનલ ચેમ્પિયન બન્યા હતા. તેમને ખેલ મહાકુંભમાં પણ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ મેળવ્યા હતા.
દિકરી પણ નેશનલ ચેમ્પિયન
વર્ગીસભાઇને સંતાનોમાં બે દિકરી અને એક દિકરો છે. 15 વર્ષની મોટી દિકરી ભાર્ગવી પણ તીરંદાજીમાં નેશનલ ચેમ્પિયન છે. ભાર્ગવીએ તીરંદાજીમાં 6 ગોલ્ડ અને બે સિલ્વર એમ કુલ 8 મેડલ મેળવ્યા છે. ભાર્ગવી 6 વર્ષની હતી, ત્યારથી તેમના પિતા તેને તીરંદાજીનું તાલીમ આપી રહ્યા છે. હાલ તે નડીયાદ એકેડમી ખાતે પ્રશિક્ષણ મેળવી રહી છે.
પરિવારના તમામ સભ્યોને તીરંદાજીનો શોખ
વર્ગીશભાઇનો 7 વર્ષનો દિકરો પણ હવે તીરંદાજી શીખી રહ્યો છે. આ ઉપરાંત તેમની નાની દિકરી અને બહેનની દિકરીઓ પણ તીરંદાજીની ઘર આંગણે રોજ સવારે અભ્યાસ કરે છે. તીરંદાજી કરવામાં માહેર આ પરિવાર આવનારા દિવસોમાં અરવલ્લીનું અને દેશનું નામ રોશન કરે તો નવાઇ નહીં.