માલપુર: અરવલ્લી જિલ્લાના માલપુર નગરમાંથી પસાર થતાં શામળાજી-ગોધરા રાજ્યધોરી માર્ગ -૨૭ પર મોટા ખાડા પડી ગયાં છે. ચોમાસાની ઋતુનો હજુ તો પ્રથમ વરસાદ જ પડ્યો છે ત્યારે રોડ ઉબડખાબડ થતાં વાહનચાલકોમાં તેમ જ માલપુરના પ્રજાજનોમાં ભારે રોષ વ્યાપ્યો છે.હજુ તો મેઘરાજ મનમુકીને વરસ્યાં પણ નથી અને ત્યાં શામળાજીથી ગોધરા સુધીના રાજ્ય ધોરી માર્ગ પર પડેલ મસમોટા ખાડા નિમાર્ણકાર્યમાં થયેલ બેદરકારીની ચાડી ખાઇ રહ્યાં છે. આ માર્ગ જિલ્લાના માલપુર નગરમાંથી પસાર થતો હોઇ સ્થાનિક લોકો પણ તોબા પોકારી ઉઠ્યાં છે. સામાન્ય વરસાદમાં જ સ્ટેટ હાઇવે અનેક જગ્યાએ ધોવાઇ ગયો છે જેના કારણે કેટલાક અકસ્માત પણ સર્જાયાં છે.
આ રોડ પર મોટા ખાડાઓને લીધે વાહનચાલકો સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતાં વાહનો પલટી ખાઇ ગયાંની ઘટનાઓ બની છે. તેથી ખાડાઓ અને ગાબડાં તાત્કાલિક પુરવામાં આવે તેવી માગ પ્રબળ બની છે.