- વીજ કનેક્શન કાપવામાં આવતા ફેક્ટરી માલીક પરેશાન
- લોકડાઉન સમયના વીજ બીલ મામલે વીજ કનેક્શન કાપવામાં આવ્યું
- યુ.જી.વી.સી.એલ એ રૂપિયા 2 લાખનું ખોટુ બીલ બનાવ્યું હોવાનું ફેકટરીના માલીકે જણાવ્યું
અરવલ્લીઃ જિલ્લાના મોડાસામાં જી.આઇ.ડી.સીમાં આવેલા મોનીતા બેકીંગ ઇન્ડસટ્રીઝ ઘઉના લોટમાંથી ઇકો ફ્રેન્ડલી ચમચી, વાટકા, ચપ્પુ વિગેરનું ઉત્પાદન કરે છે. લોકડાઉનમાં લોટ પડ્યો રહેવાથી ફેક્ટરીના માલિકને 50 લાખ રૂપિયાની આસપાસનું નુકશાન થયુ હતું. આ સમયગાળા દરમિયાનના વીજ બીલ અંગે ફેકટરીના માલિક અને યુ.જી.વી.સી.એલનો વિવાદ ચાલતો હતો. ફેકટરીના માલીક હર્ષ શાહના જણાવ્યાં અનુસાર યુ.જી.વી.સી.એલ એ રૂપિયા બે લાખનું ખોટુ બીલ બનાવ્યું હતું. આ અંગે ફેકટરી માલીકને રજુઆત કરવાની તક આપી ખુલાસો આપવાના બદલે અધિકારીઓએ મનસ્વી રીતે ફેકટરીનું વીજ કનેકશન કાપી નાખ્યુ છે, તેવો આક્ષેપ ફેકટરી માલીક કરી રહ્યાં છે.
ફેકટરી માલીક અને અધિકારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા
આ અંગે જ્યારે ફેકટરીના માલીક રજુઆત કરવા ગયા ત્યારે મામલો બિચકાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ફેકટરીના માલીક અને અધિકારીઓ વચ્ચે ઝપાઝપીના દ્રાશ્યો સર્જાયા હતા. જે અંગે મોડાસા ટાઉનમાં સામસામે ફરીયાદ કરવામાં આવી છે.
પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગાર મેળવતા 50થી વધુ લોકો બેરોજગાર બન્યા
હાલ તો યુ.જી.વી.સી.એલ એ વીજ કનેકશન કાપી નાખ્યુ હોવાથી ફેકટરી બંધ થઇ ગઇ છે અને તેના થકી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગાર મેળવતા ૫૦થી વધુ લોકો બેરોજગાર બન્યા છે. આ અંગે વીજ વીભાગના ટાઉન ઇજનેરનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમણે કોઇપણ વિગત આપવાનો નનૈયો ભણ્યો હતો.