- અરવલ્લીમાં BTPની એન્ટ્રી થતા ભાજપ-કોંગ્રેસને થશે નુકસાન
- ભાજપે આદિવાસી વિસ્તારમાં માંડ માંડ પ્રભુત્વ જમાવ્યું છે
- ભિલોડા તાલુકામાં બીટીપીના કાર્યાલયનો શુભારંભ કરાવાયો
અરવલ્લીઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત હવે ટૂંક સમયે થશે તેવી આશંકાઓ વચ્ચે રાજકીય પક્ષો હવે એક્શન મોડમાં આવી ગયા છે. અરવલ્લી જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસ ટિકિટ વહેંચણીની પ્રક્રિયાનો આરંભ કરી દીધો છે ત્યારે ઝઘડિયા ધારાસભ્ય છોટુ વસાવાની ભારતીય ટ્રાયબલ પાર્ટીએ આદિવાસી બહુમત ધરાવતા ભિલોડા તાલુકામાં ગુજરાત પ્રદેશ પ્રમુખ રમેશ વસાવાની ઉપસ્થિતીમાં કાર્યાલયનો પ્રારંભ કરાવ્યો હતો. જિલ્લામાં અત્યાર સુધી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર રહેતી હતી ત્યારે બીટીપીના આગમનથી જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની જાહેરાત ગમે તે ઘડીએ થઈ શકે છે તેવા સંકેતો મળતા સ્થાનિક રાજકીય પક્ષો પણ સક્રિય થયા છે. અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપ અને કોંગ્રેસનો દબદબો રહ્યો છે. જોકે, હવે જિલ્લાના આદિવાસી પટ્ટામાં બે બળિયાઓ વચ્ચે ત્રીજા પક્ષે ઝંપલાવતા જ્ઞાતિ આધારિત સમીકરણો ચોકક્સથી બદલાશે તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીએ એન્ટ્રી કરવાની સાથે ભિલોડા તાલુકા અને જિલ્લા પંચાયત સીટ પર બીટીપીના ઉમેદવારો ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી છે.
ભારતીય ટ્રાયબલ પાર્ટીએ એન્ટ્રી કરતાની સાથે રાજકારણ ગરમાયું
રવિવારે ભિલોડાના ઋષભ કોમ્પ્લેક્સમાં બીટીપીના કાર્યાલયના પ્રારંભ પ્રસંંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રમેશ વસાવા પહોંચતા પરંપરાગત આદિવાસી ઢોલ-નગરના તાલે અને બાઈક રેલી યોજી તેમને આવકારાયા હતા. જિલ્લામાં ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવાના આવકારતા ઠેર ઠેર બેનર લાગી ગયા હતા. જિલ્લાના આદિવાસી મતો બે પક્ષોમાં વહેંચાયેલા છે, જેમાં કોંગ્રેસ પક્ષ તરફ વધુ ઝૂકાવ છે. બીટીપીની એન્ટ્રીથી સૌથી વધુ કોંગ્રેસ પક્ષને નુકસાન થશે તો બીજી બાજુ માંડ માંડ જિલ્લાના આદિવાસી વિસ્તારોમાં પ્રભુત્વ જમાવી રહેલ ભાજપને પણ મોટો ફટકો પડી શકે છે તેવુ રાજકીય પંડીતોનું માનવું છે.