અરવલ્લી : જિલ્લાના મેઢાસણ જિલ્લા પંચાયત વિસ્તારના નાની ઈસરોલથી રામેશ્વર કંપા વચ્ચેથી પસાર થતી મેશ્વો નદી પર 4.12 કરોડના ખર્ચ પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ વિકાસના કાર્યનો જશ ખાટવા ભાજપ અને કોંગ્રેસમાં રીતસરની હરીફાઇ થઇ હતી. એક જ પુલનું લોકાર્પણ ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ અલગ-અલગ કર્યું હતું. રાજકારણીઓનું આ નાટક સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાની ઈસરોલથી રામેશ્વર કંપા વચ્ચેથી પસાર થતી મેશ્વો નદી પર પ્રધાનમંત્રી સડક યોજના હેઠળ 4.12 કરોડના ખર્ચે 112 મીટર લંબાઈ ધરાવતા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે પુલના નિર્માણ કાર્યમાં જશ ખાટવા ભાજપ અને કોંગ્રેસના નેતાઓમાં લોકોર્પણ કરવાની હોડ જામી હતી.
તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેંદ્રસિંહ પુવાર સહિત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોએ પણ પુલનું લોકાર્પણ કર્યું હતું. ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરે પુલના નિર્માણ માટે રાજ્ય સરકારમાં યોગ્ય ધારદાર રજુઆત કરતા પુલનું કામ શક્ય બન્યું હોવાનું જણાવ્યુ હતું. એક જ પુલના નિર્માણ માટે બન્ને પક્ષોએ પોતાની પીઠ થપથપવતા લોકોમાં કુતુહલ સાથે રમુજનું વાતાવરણ સર્જાયુ હતું.