મોડાસાઃ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા તેમજ લોકોને રાહત પહોંચાડવા માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના રાહત ફંડમાં સામાજીક સંસ્થાઓ, એન.જી.ઓ , કોર્પોરેટ્સ અને વ્યક્તિગત રીતે લોકો યથાશક્તિ પ્રમાણે દાન આપી રહ્યા છે. ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોએ પોતાનો એક દિવસનો પગાર મુખ્યપ્રધાન રાહત ફંડમાં જમા કરાવ્યો છે.
આખું વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. સંકટની આ ઘડીમાં દરેક નાગરિક પોતપોતાની શક્તિ પ્રમાણે યોગદાન આપી એકબીજાને મદદ કરી રહ્યાં છે. આ કડીમાં અરવલ્લી જિલ્લાના અરવલ્લી જિલ્લાના તમામ પ્રાથમિક શિક્ષકોએ પોતાનો એક દિવસનો પગાર રાહતફંંડમાં દાન કર્યો છે. જે અંતર્ગત રુપિયા 1 કરોડ બે લાખથી વધુની રકમનો ચેક જિલ્લા પ્રાથમિક શિક્ષાણાધિકારીની ઉપસ્થિતિમાં જમા કરાવ્યો હતો.
આ તકે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રધાન સતીષભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ હસમુખભાઈ પટેલ, ઉપપ્રમુખ અનિલભાઈ પટેલ, પ્રધાન આશિષભાઈ પટેલ ,સહમંત્રી કલાસવા તેમજ મોડાસા, ધનસુરા, બાયડ, માલપુર, મેઘરજ અને ભિલોડા આ તમામ ઘટક સંઘના હોદ્દેદારો ઉપસ્થિતિ રહ્યા હતા.