- અરવલ્લીના માલપુરના મકાન વિહોણા પરિવારોએ મફત પ્લોટની કરી માગ
- ગ્રામ પંચાયતે પરિવારોની દરખાસ્ત તાલુકા પંચાયત કચેરીએ મોકલી દીધી છે
- તાલુકા પંચાયત પરિવારોની વાત સામે કરી રહ્યું છે આંખ આડા કાન
- પ્લોટ નહીં મળે તો પરિવારોએ આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી
અરવલ્લીઃ જિલ્લાના માલપુરમાં ગરીબ મકાનવિહોણા લોકોને ઘર મળી રહે તે માટે 70 પ્લોટની દરખાસ્ત કરાઈ છે. ગ્રામ પંચાયતે આ દરખાસ્ત તાલુકા પંચાયત કચેરીમાં મોકલી છે. આ વાતને ઘણો લાંબો સમય થયો હોવા છતા તાલુકા પંચાયત કચેરી દ્વારા પ્લોટ ફાળવવા માટેની કાર્યવાહી પૂર્ણ થઈ નથી. તાલુકા પંચાયતની ગોકળગાય ગતી ચાલતી કામગીરીથી વ્યથિત થઈ ગુજરાત વાલ્મિકી સંગઠને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું, જેમાં જણાવ્યુ હતું કે, મકાનવિહોણા ગરીબ લોકો માટેના પ્લોટની ફાઈલ સંદર્ભે છેલ્લા કેટલાય સમયથી કાર્યવાહી કરવામાં આવી નથી. આથી યોગ્ય ઝડપથી નિર્ણય લઈ ગરીબ પરિવારોને મફત પ્લોટ મળી રહે તે ખૂબ જ તાતી જરૂરિયાત છે.
ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી
આ કાર્યવાહીમાં તાલુકા પંચાયત કચેરી દ્વારા વિલંબ થઈ રહ્યો હોવાથી માલપુરના લાલજી ભગતે જણાવ્યું, જો આ અંગે યોગ્ય ન્યાય નહીં મળે તો ગરીબ લોકોને મફત પ્લોટ માટે ન છૂટકે તાલુકા પંચાયત કચેરીમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ફરજ પડશે.