આ ચેકડેમનો આશય આસપાસના ગામોમાં ખેતીની જમીનમાં રવિ અને ખરીફ પાક માટે ભેજ જળવાય રહે અને પાણીના સ્તર ઉંચા લાવવાનો છે.
રાજ્ય સરકારની સિંચાઈ વિભાગ દ્રારા અરવલ્લી જિલ્લાના 6 તાલુકામાં 3702 ચેક ડેમ બનાવામાં આવ્યા છે. હવે નવા ચેક ડેમ બનાવવાની કામગીરી બંધ કરવામાં આવી છે, પરંતુ ચોમાસા પૂર્વે જર્જરિત થઈ ગયેલ ચેકડેમનું સમારકામ કરવામાં આવી રહ્યું છે. જર્જરિત થઈ ગયેલ ચેકડેમનું સમારકામ કરવાની ડેડ લાઇન 20 જૂન છે. જો કે, અરવલ્લી જિલ્લામાં હજુ પણ ઘણા ચેકડેમ છે જેનું સમારકામ કરવાનું બાકી છે.
બીજી બાજુ ભિલોડા અને મેઘરજ તાલુકામાં ખેડુતોનું માનવું છે કે, ચેકડેમથી જોઈએ તેટલો ફાયદો મળતો નથી. જિલ્લામાં જે વિસ્તાર ઢળતો છે ત્યાં જ ખેડૂતોને લાભ મળે છે, પરંતુ ઉપરવાસમાં આવેલા વિસ્તારોમાં ખેતીની જમીનને કોઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી. જો કે, ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, પાણીનો પુરેપુરો લાભ લેવા માટે ચેકડેમનું નિર્માણ કયા સ્થળે કરવામાં આવે છે તે પણ એક મહત્વનું પરિબળ છે. ચોમાસામાં બાદ આ ચેકડેમોમાં શિયાળાના બે થી ત્રણ માસ સુધી પાણી રહે છે અને માર્ચ માસ પૂરો થતાં ચેકડેમ ખાલીખમ થઈ જાય છે. જેથી ઉનાળું પાક માટે આ ચેકડેમનો કોઇ જ લાભ થતો નથી.