- રતનપુર ચેકપોસ્ટ પર શંકાસ્પદ કારને અટકાવતા 80 લાખ રૂપિયાની રોકડ રકમ મળી
- પોલીસે રોકડનો કબ્જો લઇ આ 3 શખ્સોની અટકાયત કરી
- શામળાજી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
અરવલ્લી: જિલ્લાની શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક રાજસ્થાન તરફથી આવતી શંકાસ્પદ કારને અટકાવી તલાશી લેતા 80 લાખની રોકડ રકમ મળી આવી હતી. કારમાં રહેલા 3 રાજસ્થાની શખ્સો આ રોકડ રકમ અંગે યોગ્ય ખુલાસો આપી શક્યા ન હતા. આથી, પોલીસે રોકડનો કબ્જો લઇ આ 3 શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: ધાનેરા સ્થિત વાસણ ચેકપોસ્ટ પરથી પિસ્તોલ સાથે 4 ઝડપાયા
સીટ નીચે ગુપ્ત ખાનું બનાવી 80 લાખ સંતાડ્યા
અરવલ્લી જિલ્લાના શામળાજીની અણસોલ ચેક પોસ્ટ નજીક શામળાજી પોલીસ દ્વારા દારૂની હેરાફેરી અટકાવવા સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. શનિવાર રાત્રીના 11 કલાકે રાજસ્થાન તરફથી એક કીયા કાર શંકાસ્પદ માલુમ પડતા તેને અટકાવી હતી. પોલીસ જોઇ ગભરાઇ ગયેલા કાર ચાલકની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ભાંડો ફુટ્યો હતો. જેમાં, કારની અંદર ડ્રાઈવરની બાજુવાળી સીટ નીચે ગુપ્ત ખાનામાંથી મોટી સંખ્યામાં ચલણી નોટો ભરેલા 2 થેલા મળી આવ્યા હતા.
આ પણ વાંચો: શામળાજી પોલીસે રૂપિયા 6.12 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો
ધરપકડ કરાયેલા શખ્સો
શામળાજી પોલીસે કારને શામળાજી પોલીસ સ્ટેશન લઇ થેલામાં રહેલી રોકડ રકમની ગણતરી કરતા 80 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું હતું. કારમાં રહેલા 3 શખ્સોને આધાર પુરાવા રજુ કરવા કહેતા, ત્રણેય ગલ્લા-તલ્લાં કરવા લાગતા પોલીસે શખ્સોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. રાજસ્થાન ઉદેપુરના રહેવાસી મદન સોડીલાલ સાલવી, રાહુલ ગોવિંદરામ ગખરેજા અને કિશનલાલ પ્રેમકુમાર લોહારને ઝડપી, CRPC કલમ-102,41(1)D મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.