અરવલ્લીઃ શામળાજી નજીક અન્ય રાજયમાંથી છૂટક મજૂરી કરવા આવેલા એક પરીવારને નાની દિકરી અચાનક જ મોતને ભેટી, જેની જાણ સંજયભાઇને થતા તે ઘટના સ્થળે પહોંચ્યા હતા. ત્યાં તેમને જણાવા મળ્યું કે દીકરીને ઓરીની અસરથી ગંભીર બિમારીની ભોગ બની હતી. તેની સાથે રહેતા ચાર વર્ષના નાના ભૂલકાને પણ ચેપ લાગ્યો હતો. તો સંજયભાઇએ વિના વિલંબે આ બાળકને 108 મારફતે ભિલોડા સારવાર અર્થે લઇ ગયા હતા. જયાં સ્થિતિ ગંભીર જણાતા હિંમતનગર રીફર કરવાની નોબત આવી હતી. પરંતુ, ત્યાં લઇ જવાના પૈસા ન હતા. સંજયભાઇએ પોતાના ખિસ્સાના પૈસા આપીને સહાય કરી હતી. ત્યારબાદ બે દિવસ પછી નાના ભૂલકાના પિતાનો ફોન આવ્યો કે સાહેબ મારી દિકરી તો મે ખોઇ પણ તમારા લીધે મારો ટેણીયો બચી ગયો છે.
હાલમાં સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટન્સિંગ છે. આની સમજ જયારે લોકોમાં હોય તો જ કોરોનાને પોતાના ગામમાં કે ઘરમાં પ્રવેશી શકે નહીં. આવી સરળ ભાષામાં ગામલોકોને સમજવાનું કામ સંજયભાઇ બારોટ કરી રહ્યા છે.
અરવલ્લી જિલ્લામાં કોરોના પોઝિટીવ કેસ ભિલોડાના ગ્રામ્યમાં જ આવતા ગામલોકોમાં ડરનો માહોલ ઉભો ન થાય તે માટે આરોગ્ય વિભાગની IEC શાખા અંતર્ગત લોક જાગૃતિનું કામ કરાતું હોય છે. આવા જ IEC કાર્યકર સંજયભાઇ બારોટે ભિલોડાના શાકભાજી ફેરીયાઓનું હેલ્થ સ્ક્રિનિંગની સાથે સોશ્યિલ ડિસ્ટનસિંગની સમજ આપે છે.
આ અંગે વાત કરતા સંજયભાઇ બારોટ કહે છે કે, કોરોનાથી બચવા તેની જાણકારી હોવી જરૂરી છે. તેથી અમે લોકોને ઇન્ફર્મેશન- એજ્યુકેશન- કોમ્યુનિકેશન (IEC) કરવાનું કામ કરીએ છીએ. આમ તો મારી કામગીરી કિશનગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા વાંસળી સબ સેન્ટરમાં નિમણૂક છે, પરંતુ ભિલોડા તાલુકામાં કોરોનાનો વ્યાપ વધતા તાલુકા હેલ્થ સેન્ટરમાં ફરજ સોંપાઇ છે.
જેમ અમદાવાદમાં શાકભાજી વાળા સુપર સ્પ્રેડર સાબિત થયા તો અમે સૌથી પહેલા ભિલોડા બજાર વિસ્તારમાં શાકભાજીના વિક્રેતાઓનું થર્મલગનથી હેલ્થ સ્ક્રિનિંગ કર્યુ હતું. તેની સાથે આ લોકોને ફરજીયાત માસ્ક અને હેન્ડ ગ્લોવોઝ ધારણ કરવા સાથે સોશ્યિલ ડિસ્ટન્સિંગનુ ચુસ્ત પાલન થાય તે માટે સમજ આપી, આની સાથે અમે જયાં આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી કચેરી મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, વીજ અને પોલીસ સ્ટેશન સહિતની કચેરીઓ સ્ટાફનું હેલ્થ ચેકઅપ સાથે કોરોનાની જાણકારી આપી હતી. આ ઉપરાંત દુકાનો, મેડિકલ સ્ટોર, પેટ્રોલ પંપ કામ કરતા લોકો અને દૂધ વિક્રેતા મળી 1500થી વધારે લોકોનું આરોગ્યની ચકાસણી અને કોરોના વાયરસ અંગે જાગૃતા કર્યા છે.