- દેવની મોરીને વૈશ્વિક બૌદ્ધતીર્થ તરીકે વિકસાવાનો પ્રોજેકટ સરકારી ફાઈલોમાં અટવાયો
- બૌદ્ધતીર્થ બનાવવાની જાહેરાત તત્કાલીન સીએમ અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2013માં કરી હતી
- બૌદ્ધ સ્થંભ અને ભગવાન બૌદ્ધની મૂર્તિ બનાવવા માટે જાપાન સાથે થયા હતા MoU
અરવલ્લીઃ જિલ્લામાં આવેલ શામળાજીના દેવની મોરી ગામમાં ભગવાન બુદ્વના અવશેષો મળી આવ્યા હતા. આ સ્થળને બૌદ્ધતીર્થ બનાવવા જાહેરાત ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2013માં કરી હતી. જો કે, ત્યાર બાદ આ સ્થળે કોઇ જ વિકાસ ન થતા પ્રોજેકટ ભુલાય ગયો હોય તેવુ લાગી રહ્યુ છે.
1960માં મેશ્વો ડેમના ખોદકામ દરમિયાન ભગવાન બુદ્ધના અવશેષો મળી આવ્યાં
શામળાજીમાં દેવની મોરી ગામ અરવલ્લીની ગિરિમાળાઓમાં આવેલું છે. દેવની મોરી ગામે 1960માં મેશ્વો ડેમનું ખોદકામ કરવામાં આવ્યુ હતું. આ ખોદકામ દરમિયાન ભગવાન બૌદ્ધના અવશેષો મળી આવ્યા હતા. જેમાં ભગવાન બુદ્ધના દાંત સાથેના જડબાનો કેટલોક ભાગ અને મૂર્તિઓ મળી આવી હતી. આ અવશેષોની પુરાતત્વ વિભાગ દ્વારા ખરાઈ કરાઇ હતી અને દલાઈ લામા સહિતના બૌદ્ધ સંતોએ પણ તેની પુષ્ટિ કરી હતી. બ્રાહ્મી લિપિમાં લખાણવાળા સ્તૂપ હાલ વડોદરાના મ્યુઝિયમમાં રાખવામાં આવ્યા છે.
વિશ્વમાં 5 જગ્યાએ ભગવાન બુદ્ધના અવશેષો મળી આવ્યા છે, તે પૈકી દેવની મોરી પણ એક
સમગ્ર વિશ્વમાં 5 જગ્યાએ ભગવાન બુદ્ધના અવશેષો મળી આવ્યા છે, તે પૈકી દેવની મોરી પણ એક છે. જેને લઇ આ વિસ્તારમાં બૌદ્ધધર્મ પ્રચલિત હોવાનો માનવામાં આવે છે. સમયાંતરે બૌદ્ધ સંતો પણ આ સ્થાન પર આવતા રહ્યા છે.
રૂપિયા 1200 કરોડના પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી હતી
જાપાન સરકારના સહયોગથી આ સ્થાન પર 351 ફૂટ ઊંચો બૌદ્ધ સ્થંભ અને 151 ફૂટ ઊંચી ભગવાન બૌદ્ધની મૂર્તિ બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. આ સ્થાન બૌદ્ધ યાત્રાધામ તરીકે આકાર પામવાની સંભાવના ઉભી થયા બાદ રૂપિયા 1200 કરોડના પ્રોજેકટની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આ જાહેરાત ક્યારે હકીકતમાં બદલાશે તે તો સમય જ બતાવશે.