અરવલ્લી : આ છે અરવલ્લી જિલ્લાના મેઘરજ અને ભિલોડા તાલુકાના આદિવાસી લોકો. જેઓ 24 ફેબ્રુઆરીએ ગાંધીનગરમાં યોજાનાર વિશાળ રેલીની તૈયારીના ભાગરૂપે તિર-કામઠા બનાવવા તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. ૨૩ જાન્યુઆરીથી ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આદિવાસીઓના ખોટા પ્રમાણપત્રો લઈ નોકરી કરનારને દૂર કરવાની માંગણી સાથે આદિવાસી સંગઠનો ધરણા પર બેઠા છે. જોકે આ આંદોલનને રાજ્ય સરકાર તરફથી સારો પ્રતિસાદ ન મળતા રાજ્યના આદિવાસી સમાજે વિધાનસભાનો ઘેરાવા કરવા આહવાન કર્યુ છે.
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાંથી ગાંધીનગર ખાતે રેલી અને વિધાનસભા ઘેરાવ કાર્યક્રમમાં ૨૦ હજારથી વધુ આદિવાસી સમાજના લોકો તિર-કામઠા, ઢોલ-નગારા અને આદિવાસી સંસ્કૃતિના પરંપરાગત વાજિંત્રો સાથે જોડાશે તેવી માહિતી પ્રાપ્ત થઇ છે. હાલ આદિવાસી સમાજની વિવિધ સમિતિઓ દ્વારા બંને જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે.