- જિલ્લામાં રવિ સિઝનનું વાવેતર પૂર્ણ
- ગત વર્ષ 1,089,85 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું.
- આ વર્ષે જિલ્લામાં 1,30,622 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે
અરવલ્લીઃ જિલ્લામાં ચાલુ વર્ષની રવિ સીઝનનું વાવેતર પૂર્ણ થયું છે. જિલ્લાના ખેડૂતોએ મુખ્યત્વે ઘઉં, બટાકા અને ચણાનું વાવેતર કર્યુ છે. આ વખતે મકાઇના વાવેતરમાં ઘટાડો નોંધાયો છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષ મકાઇનું વાવેતર 8323 હેકટરમાં થયું છે, જે ગત વર્ષ કરતા 36 ટકાનો ઘટાડો સુચવે છે, જ્યારે ચણાની ખેતી બમણાં પ્રમાણમાં કરવામાં આવી છે. જિલ્લામાં 54 ટકા ઘઉં, 15 ટકા બટાકા અને 12 ટકા ચણાનું વાવેતર નોંધાયું છે. અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં 70354 હેકટરમાં ઘઉં, 14041 હેકટરમાં ચણા, 19247 હેકટરમાં બટાકા અને અન્ય પાકો મળી કુલ 1,30,622 હેકટરમાં વાવેતર નોંધાયું છે.
ચણાનું વાવેતર કેમ વધ્યુ ?
ખેડૂતોને ચણાના માટે ટેકાનો ભાવ સારો મળતો હોવાથી આ વર્ષે ચણાનું વાવેતર ગત વર્ષ કરતા બમણું થયું હોવાનું ખેતિવાડી વિભાગ દ્વારા જણાવાયું છે. ગત વર્ષે ચણાનું વાવેતર 6695 હેક્ટરમાં વાવેતર થયું હતું, તો આ વર્ષે ચણાનું વાવેતર અરવલ્લી જિલ્લામાં વધીને 14041 હેક્ટર પર પહોંચ્યું છે.
બટાકાના વાવેતર પણ નોંધપાત્ર વધારો
જિલ્લમાં ચાલુ વર્ષ બટકાનું વાવેતર 19249 હેકટરમાં કરવામાં આવ્યું છે, જે ગત વર્ષ કરતા 1500 હેકટર વધારે છે. જિલ્લામાં બટાકાની ચીપ્સ માટે LR તેમજ રસોઇ માટે પોખરાજ, લોકર જેવી વિવિધ જાતના બટકાનું વાવેતર કરવામાં આવે છે.