- કુલ 588 પ્રાથમિક શાળાઓમાં 28,611 જેટલા વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા
- થર્મલ સ્ક્રીનીંગ, સેનેટાઇઝર તેમજ માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવ્યો
- શિક્ષકો દ્રારા વિદ્યાર્થીઓને ફુલ આપી સ્વાગત કરવામાં આવ્યુ
અરવલ્લી : ગત એક વર્ષથી કોરોના વાઇરસના પગલે પ્રાથમિક શાળાઓ બંધ કરવામાં આવી હતી. ગુરૂવારના રોજ સરકારની ગાઈડલાઈન મુજબ પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6, 7, અને 8માં શિક્ષણ કાર્ય પુન: શરૂ કરવામાં આવ્યુ છે. અરવલ્લી જિલ્લામાં કુલ 588 પ્રાથમિક શાળાઓમાં જેમાં 28,611 વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા.
વિદ્યાર્થીઓને ફુલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું
કોરોના વાઇરસને લઇ બંધ કરવામાં આવેલી પ્રાથમિક શાળા હવે સરકારના આદેશ અનુસાર પુન: શરૂ કરવામાં આવી છે. પ્રથમ દિવસે અરવલ્લી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓ તેમજ શાળાના સ્ટાફને કોરોનાની ગાઇડલાઇન મુજબ થર્મલ સ્ક્રિનિંગ, સેનિટાઇઝર તેમજ માસ્ક સાથે પ્રવેશ આપવામાં આવ્યો હતો. વાલીઓનું સંમતિપત્રક પણ વિદ્યાર્થીઓ પાસે લેવામાં આવ્યુ હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધારવા માટે જે. બી. શાહ ઇંગ્લિશ મીડિયમ શાળામાં શાળાના સેક્રેટરી, આચાર્ય અને શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને ફુલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
પહેલા દિવસે જોવા મળી 70 ટકા હાજરી
આગામી એપ્રીલ માસમાં યોજાનારી પરીક્ષાને લઇ ફરી શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે, તેવું અનુમાન લગાવામાં આવી રહ્યુ છે. નોંધનીય છે કે, હજૂ પણ કોરોનાનો ભય વાલીઓ તેમજ વિદ્યાર્થીઓમાં છે તેથી પ્રથમ દિવસે માત્ર 70 ટકા હાજરી જોવા મળી હતી. જિલ્લાની પ્રાથમિક શાળાઓના કુલ 39,924 વિદ્યાર્થીઓમાંથી 28,611 વિદ્યાર્થીઓ શાળાએ આવ્યા હતા . જો કે, જે. બી. શાહ શાળાના આચાર્ય દિપક મોદીના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં વિદ્યાર્થેઓની સંખ્યમાં વધારો થશે. કોરોનાકાળ દરમિયાન શાળાઓ બંધ થતા વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડ્યો છે. શાળાઓ દ્વારા ઓનલાઇન અભ્યાસ કરાવવામાં આવતો હતો. તેમ છતાં મોટા ભાગના વિદ્યાર્થીઓને મુશકેલીઓ પડી હતી.