મોડાસા : કોરોના વાઇરસના કહેરની વિકટ પરિસ્થિતિ સામે સરકાર દ્વારા જનજીવનને બચાવવા અથાગ પરિશ્રમ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સરકારને સહયોગ આપવા આધ્યાત્મિક અને સમાજ સેવી સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ સૌ કોઈ વ્યક્તિગત રીતે પણ યથા શક્તિ મુજબ સરકારને આર્થિક રીતે સહયોગ આપવા સંભવત:પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે મોડાસાની નાગરીક બેન્કે ત્રણ લાખ તેમજ અરવલ્લી જિલ્લા ગાયત્રી પરિવારે વડાપ્રધાન અને મુખ્ય પ્રધાનના રાહત ફંડમાં અરવલ્લી અધિક કલેક્ટરને એકાવન હજાર રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો.
મોડાસા શહેર સહીત અરવલ્લી જિલ્લામાં સેવાકીય ફંડ આપવામાં અગ્રેસર ધ મોડાસા નાગરીક સહકારી બેન્ક લી. ચેરમેન પરેશ ગાંધી, એમ.ડી અશોક ભાવસાર, પ્રજ્ઞેશ ગાંધી, પૂર્વ ચેરમેન કમલેશ પટેલ સહીત બેંકના ડિરેકટરોની ઉપસ્થિતિમાં અધિક કલેક્ટર વલવીને મુખ્યપ્રધાન રાહતફંડમાં 2 લાખ અને વડાપ્રધાન રાહતફંડમાં 1 લાખ રૂપિયાનો ચેક સોંપવામાં આવ્યો હતો.