અરવલ્લી: મોડાસા શહેરમાં ટ્રાફિકની સમસ્યાને લઇને શહેરીજનો હેરાન પરેશાન થયા છે. ત્યારે અડચણરૂપ અને રોડ પર ઉભી રહેતી લારીઓને મોડાસા નગર પાલિકા દ્વારા ટોઇંગ કરવામાં આવી હતી. પોલીસ તેમજ નગર પાલિકાના કર્મચારીઓ દ્વારા તવાઈ બોલાવીને પચાસ જેટલા દબાણોને હટાવી લેવાની કાર્યવાહી કરવામાં આવી હતી.આ કામગીરી મોડી સાંજ સુધી ચાલી હતી.
વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન બની ગયેલી લારી તેમજ ફૂટપાથ પર લગાવેલા સામાનને પાલિકા દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મોડાસા ચાર રસ્તા ખાતે ટાઉનહોલ લવાયો હતો જ્યાં દંડ વસૂલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
પાલિકાની કામગીરીની લઇને વેપારીઓમાં રોષ જોવા મળ્યો હતો. જેને લઇને કોર્પોરેટર આશિષ જયસ્વાલ, નિકેશભાઈ તેમજ અબ્દુલ હમિદભાઇ ટીંટોઇયા દોડી આવ્યા હતા, અને લારી ચાલકો સાથે વાતચીત કરી હતી.
આશિષ જયસ્વાલે જણાવ્યું હતું કે, "આગામી સમયમાં આ તમામ લારી પર રોજીરોટી ચલાવતા વેપારીઓ સાથે વાતચીત કરવા માટે બેઠક યોજાશે. જેમાં તેેમને માર્ગદર્શન પુરૂં પાડવામાં આવશે. જેથી વાહન ચાલકોને હાલાકીઓનો સામનો કરવો પડે નહી."