બાળકોએ 'રોડ બનાવો' 'રોડ બનાવો' અને 'રોડ બનાવો તો શાળાએ દરરોજ આવીએ'ના નારા લગાવ્યા હતા. માલપુર તાલુકાના જુના વિરણયા ગામથી 700 મીટર દૂર આવેલી પ્રાથમિક શાળામાં જવા માટે પાકો રસ્તો નથી. છેલ્લા ઘણા સમયથી બાળકોના વાલીઓ રોડ બનાવાની માંગ કરી રહ્યા છે. ચૂંટણી સમયે મત માંગવા માટે આવતા નેતાઓ સમક્ષ અનેક વાર પ્રાથમિક શાળાથી ગામના રોડ સુધી રોડ બનાવવા રજુઆત કરતા રોડ બનાવી આપવાની બાંહેધરી આપવામાં આવે છે. પરંતુ આ વાયદાઓનું જીત મળ્યા પછી બાષ્પીભવન થઇ જાય છે.
બાળકો કાદવ કીચડવાળા કપડાં સાથે શાળામાં આવે છે. જેનાથી કેટલા બાળકો બીમારીમાં સપડાય છે. ગ્રામજનોએ જણાવ્યું કે,ચોમાસામાં કાદવ-કીચડ માંથી દરરોજ પસાર થવું પડતા ચામડીના રોગનો ભોગ પણ અનેકવાર બની ચુક્યા છે. ગ્રામજનોએ આગામી દિવસોમાં માંગ નહિ સ્વીકારાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.